Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત માં 41 દિવસની સારવારના અંતે યુવાન એન્જીનીયર થયો કોરોના મુક્ત

Share

સુરત, 21 ડિસેમ્બર : સુરતના મુગલીસરા મિશન કમ્પાઉન્ડમાં રહેતા ૪૭ વર્ષીય મોરીશ એન્જિનીયરને નવી સિવિલમાં 41 દિવસની મેરેથોન સારવાર બાદ 90 ટકા કોરોના ઈન્ફેક્શનથી ઉગારીને નવી સિવિલના તબીબોએ નવજીવન બક્ષ્યું છે.
23 વર્ષથી સુરત મહાનગરપાલિકાના લોકસેવા ખાતામાં ફરજ બજાવતા તેમજ હાલ પાલિકાના પાણી પુરવઠાના ટેન્કર વિભાગમાં સેવા આપતાં મોરીશ એન્જીનિયરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, કોરોના રોગ હોય કે અન્ય કોઈ પણ બિમારી હોય, મજબૂત મનોબળથી ડર્યા કે હાર્યા વિના હિંમતપૂર્વક સામનો કરીશું તો જલદી જ સ્વસ્થ થઈ શકાય છે.
તેણે જણાવ્યું હતું કે ‘હું ભૂલથી એક જ વાર માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળ્યો, અને એ જ મારા જીવનની મોટી ભૂલ હતી. આ સમયે જ હું કોરોનાના સંક્રમણનો ભોગ બન્યો હતો. 21 ઓક્ટોબરથી તાવ, શરદી જેવા પ્રાથમિક લક્ષણો જણાયા. પ્રાઈવેટ ક્લિનિક પર રિપોર્ટ કરાવી સારવાર શરૂ કરી, પરંતુ 26 ઓક્ટોબરે એકાએક તબિયત લથડતા પરિવારે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. મારી હાલત અત્યંત ગંભીર હતી, મારાથી શ્વાસ ન લેવાતો હતો. અને એક એક શ્વાસ લેવા માટે ઝઝૂમવું પડતું હતું. મને તો એટલી જ ખબર છે કે, સિવિલ હોસ્પિટલના તબીબો ના હોત તો મારો જીવ બચી શક્યો ન હોત. અમે નવી સિવિલનું ઋણ ક્યારેય ચૂકવી નહિ શકીએ એમ મોરીશ કૃતજ્ઞતાથી જણાવે છે. મારી ત્રણ વર્ષથી ડાયાબિટીસથી સારવાર ચાલે છે, અને છેલ્લા આઠ મહિનાથી બ્લડ પ્રેશરની બિમારી પણ થઈ છે, અધૂરામાં પૂરૂ કોરોના થયો એટલે પરિવાર ચિંતામાં હતો. પરંતુ નવી સિવિલમાં દાખલ થયો અને ઝડપી સારવાર મળી. તબીબો પરિવારજનો સાથે વિડીયો કોલથી વાત કરાવતાં અને આશ્વાસન આપતા. સામે પરિવારજનો પણ મને હિંમત અને સધિયારો આપતાં, એટલે કોરોનાની બીક તો જરાયે ન હતી, અને સાજા થવાનો સો ટકા વિશ્વાસ હતો.
નવી સિવિલના સ્ટેમસેલ બિલ્ડીંગના કોવિડ ICUમાં ફરજ બજાવતા ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું કે, મોરીશ એન્જિનીયર જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને 57 ટકા જેટલું જ થઈ ગયું હતું, એટલે તાત્કાલિક કોવિડ ICUમાં ટ્રીટમેન્ટ શરૂ કરી. તેમનું એચ.આર.સિટી સ્કેન કરાવતા ફેફસામાં કોરોનાનું 90 ટકા જેટલું ઈન્ફેક્શન જણાયું. મોરીશભાઈને ARDSની અસર થઈ હતી. ARDS એટલે ‘એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ’માં ખૂબ જ ઝડપથી દર્દી ગંભીર સ્થિતિમાં જવાની શક્યતા રહે છે અને તેને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાવા સાથે ઓક્સિજન લેવલ ઝડપથી ઘટી જાય છે. મોરીશભાઈને 21દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ 20 દિવસ જનરલ વોર્ડમાં ઓક્સિજન પર સારવાર આપવામાં હતી. ડાયાબિટીસની સાથે કોવિડની સારવારમાં રેમડેસિવિર, ટોસિલિઝુમાબ, પ્લાઝમા, સ્ટીરોઈડ સહિતની મોંઘી સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી. સમયસર સારવાર મળતા તબિયતમાં રિકવરી લાવવામાં તબીબોને ખૂબ જ ઝડપી સફળતા મળી.
આમ, કોરોના સામે લડી રહેલા વિશ્વના દેશો વેક્સિનની શોધમાં લાગ્યા છે. ભારત પણ સ્વદેશી વેક્સિન વિક્સાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે કોરોના સામે રક્ષણ માટે કારગર ઉપાય છે ફેસ માસ્ક. લોકોની સ્વાસ્થ્ય સલામતી એ સરકારની પ્રાથમિકતા છે. સંક્રમણની વ્યાપક અસરને અટકાવવા સૌ લોકો સરકારની SOPનું પાલન કરે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડભાડવાળી જગ્યા જવાનું ટાળે એ ખુબ જરૂરી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ:રથયાત્રા પર થયેલ પથ્થરમારા અંગે ૮ ઈસમોની ધરપકડ કરતી ભરૂચ પોલીસ…

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ લાલ માઈકલ જોર્ડનની જર્સી અને બ્લેક મિની સ્કર્ટમાં વેલેન્ટાઈન ડેની પાઠવી શુભેચ્છા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!