સુરત, 21 ડિસેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આજ રોજ જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ટફ યોજના અંતર્ગત બજેટની જોગવાઇ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા સાંસદ સી.આર. પાટીલ અને દર્શના જરદોશને રજૂઆત પાઠવવામાં આવી છે.
ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત એ ડાયમંડ તેમજ ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર છે અને ભારતના ઔદ્યોગિક વિકાસનો એક મહત્વનો ભાગ છે. ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી અને મશીનરી એક મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ એમએસએમઇ એકમો આ મોંઘી મશીનરી ખરીદવા અથવા ટેકનોલોજીમાં થતા બદલાવને અનુરૂપ અપગ્રેડેશન કરવા સક્ષમ હોતા નથી. ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીના વિકાસાર્થે પ્રાથમિક ધોરણે ટફ અંતર્ગત 1500 કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.સરકાર દ્વારા જરૂરિયાત અનુસાર ટેક્ષ્ટાઇલ અને લેધર જેવી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતો મુજબ ટફ સ્કીમનો લાભ આપવામાં આવ્યો છે ત્યારે જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી કે જે ભારતના જીડીપીમાં 7 ટકાનો ફાળો આપે છે તેમજ ભારતભરમાં લગભગ 46.4 લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે તેને માટે આ સ્કીમનું હોવું આવશ્યક બની રહે છે. વિશ્વના લગભગ 95 ટકા હીરા સુરતમાં કટ અને પોલીશ થાય છે. તદુપરાંત લેબ ગ્રોન ડાયમંડના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે. એટલુ જ નહીં, સુરતમાં વિકાસ પામી રહેલા ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગના વ્યવસાયની સંપૂર્ણ વિશ્વ નોંધ લઈ રહ્યું છે, ત્યારે સુરત ડાયમંડની સાથે સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું પણ હબ બનવાની ક્ષમતા ધરાવે છે.
ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીના વિકાસ અને વિશ્વ સ્તરીય ગુણવત્તા મેળવવા માટે ટેકનોલોજી અને લેટેસ્ટ મશીનો એક મહત્વનો ભાગ ભજવી શકે છે, પરંતુ ઈન્ડસ્ટ્રીના સુક્ષ્મ, નાના અને મધ્યમ એકમોને મશીન અને ટેકનોલોજીમાં થતો ખર્ચ પરવડે એમ નથી. જો આ એકમોને ટફ સ્કીમ હેઠળ બજેટ ફાળવી મદદ કરવામાં આવે તો ઈન્ડસ્ટ્રી તેની સંપૂર્ણ ક્ષમતા સાથે પ્રગતિ કરી વિશ્વ સાથે તાલ મિલાવી શકે છે. ચેમ્બર તરફથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને બંને સાંસદોને આગામી બજેટ સત્રમાં ટફ હેઠળ ડાયમંડ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે બજેટની જોગવાઈ કરવા ભારત સરકારને અપીલ કરવા વિનંતી કરવામાં આવી છે.
જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ટફ યોજના અંતર્ગત બજેટની જોગવાઈ કરવા ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત
Advertisement