મધ્યપ્રદેશનાં અખિલ ભારતીયમાં નર્મદા ભક્ત મંડળનાં સભ્યો દ્વારા નર્મદામાં થતા પ્રદુષણને અટકાવવા તેમજ તેને મળતી સંયોજક નદીઓનો પ્રવાહ વધારવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી જન જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
નર્મદાની પરિક્રમા માટેની આ બાઈક યાત્રા લઇને નીકળેલ પરિક્રમા યાત્રીઓ દ્વારા માર્ગમાં આવતા ગામોમાં ગ્રામસભાનું આયોજન કરીને તેમજ નગરોમાં જનતાને તેમજ વિદ્યાર્થીઓને નર્મદાનું આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવે છે. ઉપરાંત નર્મદાનું જળસ્તર વધારવા, રેત ખનન અટકાવીને પર્યાવરણને થતું નુકશાન અટકાવવા સમજ આપવામાં આવે છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળીને ગુજરાતના ખંભાતના અખાતને મળે છે. નર્મદાને કરોડો લોકોના જીવનની જીવનરેખા માનવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં નર્મદાની પરિક્રમાનો મહિમા છે. હજારો પરિક્રમા વાસીઓ નર્મદાના કિનારા પર પરિક્રમા કરે છે.
મધ્યપ્રદેશના અખિલ ભારતીયમાં નર્મદા ભક્ત મંડળના ઉપક્રમે નર્મદા ભક્તિ પંથ દ્વારા આયોજિત આ યાત્રામાં પંથના ૧૨ સભ્યો બાઈક લઇને જન જાગરણ યાત્રા લઇને નીકળ્યા છે. પરિક્રમા દરમિયાન માર્ગમાં આવતા ગામો અને નગરોમાં જન જાગરણ બાબતે ચર્ચા કરવામાં આવે છે. યાત્રાના સંયોજક ઉપેન્દ્ર બાબા હોલકરે જણાવ્યું કે યાત્રાનો મુખ્ય હેતુ નર્મદાના ભવિષ્ય માટેનો છે. નદીમાં ફેલાતા પ્રદુષણથી તેના ભવિષ્ય માટે ખતરો પેદા થયો છે. નર્મદામાં ભળતી સહાયક નદીઓના પ્રવાહને પણ જીવંત કેવી રીતે રાખી શકીએ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવે છે. સૌથી પહેલા મશીનો દ્વારા થતી રેત ખનનની પ્રવૃતિ અટકાવવી જોઈએ તેમજ નર્મદા કિનારે સરકાર દ્વારા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ઉપરાંત દરેક સરકારી કચેરીમાં વોટર હાર્ડવેસ્ટિંગ સિસ્ટમ લગાવવી જોઇએ ઉપરાંત નર્મદા કિનારે મોટાપાયે વૃક્ષા રોપણ કરવું જોઇએ.
સંસ્થા દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વર્ષે ૫૦,૦૦૦ જેટલી જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે. જળ સંરક્ષણ માટે દરેક જિલ્લામાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ જન જાગરણ યાત્રા તા. ૧૫.૧૨.૨૦ ના દિને ઓમકારેશ્વર મધ્યપ્રદેશથી નીકળી હતી. યાત્રાના ચોથા દિવસે તેઓ નર્મદા જિલ્લાના રાજપરા ખાતે રોકાયા હતા અને આજે ઝધડિયાના ગુમાનદેવ ખાતે આવી પહોંચ્યા હતા. આખી જન જાગરણ યાત્રા લગભગ ૩૦૦૦ જેટલા કિ.મી. નું અંતર કાપશે. ૨૦ થી ૨૨ દિવસ જેટલા સમય બાદ યત્રા પૂર્ણ થશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ