રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતના આચાર્ય અને તાપી જિલ્લાના નિઝર તાલુકાના મેણપુર ગામના વતની ર્ડા.મધુકરભાઇ સુંદર્યાભાઇ પાડવીની પસંદગી માટે શ્રી ગણપતસિંહ વસાવા, માન.મંત્રી આદિજાતિ વિકાસ, શ્રી સી.આર.પાટીલ, માન.પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપા તથા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિઝર જેવા સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાંથી આવતા ર્ડા.મધુકરભાઇ પાડવીની કુલપતિ તરીકે પસંદગી કરીને રાજય સરકારે આદિવાસી સમાજની માંગણી સંતોષી છે.
ર્ડા. મધુકરભાઇ પાડવીનો જન્મ તા.૩-૩-૧૯૬૧ ના રોજ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે તેઓએ એમ.એ., એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી, સુરત ખાતેથી કરેલ છે તેઓ એમ.ટી.બી.આર્ટસ કોલેજ, સુરતમાં લેકચરર તરીકે તા.૦૧-૦૩-૧૯૮૬ થી હિંદીના વ્યાખયાતા તરીકે જોડાયા હતાં. તેઓ સતત આગળ વધતાં રહ્યા અને તેઓ ૧૯૯૭ થી હિંદી વિભાગના અધ્યક્ષ અને પી.જી.ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી તે સાથે જ નવે.૨૦૦૯માં એમ.ટી.બી. કોલેજ, સુરતના આચાર્ય તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.
તે સાથે જ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના હિંદી અભયાસ સમિતિના અધ્યક્ષ તથા યુનિ. હિંદી વિષય રિસર્ચ સમિતિના કન્વીનર તેમજ યુનિ. ખાતે કાર્યરત તુલનાત્મક વિભાગના કન્વીનર તેમજ તુલનાત્મક સાહિત્ય વિભાગની અભયાસ સમિતિના એડહોક અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા આપી છે. ર્ડા. મધુકર પાડવીએ નિર્મલ વર્મા કી કહાનીઓ કા આલોચનાત્મક અધ્યન અને નિર્મલ વર્મા ઔર મધુરાય કી કહાનીયો કા તુલનાત્મક અધ્યયન વિષય પર મહાશોધ પ્રબંધ લખીને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તે સાથે જ તેઓએ હિંદી તથા ગુજરાતી ભાષામાં પુસ્તકો પણ લખ્યા છે.
આમ, રાજય સરકારે નિઝર જેવા અંતરીયાળ આદિવાસી તાલુકાના વતની અને સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનપુજીસી દ્વારા એ ગ્રેડ તેમજ સી.પી.ઇ.પુરસ્કૃત એમ.ટી.બી. કોલેજના આચાર્યા તરીકે કાર્યરત અને આદિવાસી સમાજના ઉત્સાહી શિક્ષણધિંદની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક કરેલ છે. બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ઓકટોમ્બર-૨૦૧૭ થી વોકેશનલ ટ્રેનિગ સેન્ટરના મકાનમાં રાજપીપળા ખાતે કાર્યરત છે.
સ્નાતક કક્ષાની કોલેજ ઓફ સાયન્સ, સ્કુલ ઓફ કોમર્સ અને સ્કુલ ઓફ આર્ટસમાં ૪૬૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૩૨૩ વિદ્યાર્થીઓ છાત્રાલયની સગવડ મેળવે છે યુનિવર્સિટીના કેમ્પસ માટે જીતનગર, રાજપીપળા ખાતે ૩૯.૦૦ એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૩૫૦ કરોડના ખર્ચે યુનિવર્સિટીના બાંધકામ માટેની પ્રક્રિયામાં છે. તેઓની નિમણૂકથી યુનિવર્સિટીના વિકાસના કાર્યોને અને શિક્ષણ ક્ષેત્રમાં તેઓના માર્ગદર્શનથી યુનિવર્સિટીના કાર્યોને વેગ મળશે તથા તેમનો ધણા લાંબા અનુભવનો લાભ યુનિવર્સિટી અને આદિવાસી સમાજને થશે. શૈક્ષણિક અને સામાજિક વિકાસ કરવા માટે તેઓનો મહત્વનો ફાળો રહેશે. તેઓની નિમણૂકને સમગ્ર આદિવાસી સમાજે હર્ષભેર વધાવી છે અને ર્ડા.પાડવીને અભિનંદન પાઠવ્યા છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી