ગુજરાતમાં ઘણી બધી નેરોગેજ રેલવે લાઇનોનું બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવ્યુ. તેમાં અંકલેશ્વર રાજપિપળા વચ્ચેની રેલવે લાઇન પણ વર્ષો પહેલા બ્રોડગેજ બનાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની ઔધોગિક નગરી ગણાતા અંકલેશ્વરને નર્મદા જિલ્લાના વડામથક રાજપિપળા સાથે જોડતી આ રેલવે લાઇનના ૬૩ કિલોમીટર લાંબા અંતરમાં અંકલેશ્વર થી શરૂ કરીને રાજપિપળા સુધીમાં કુલ ૧૪ જેટલા રેલવે સ્ટેશનો આવેલા છે.
આ રેલવે સ્ટેશનોમાં અંકલેશ્વર ઉધોગ નગર, દઢાલ, બોરિદ્રા, ગુમાનદેવ, ન્યુ ગુમાનદેવ, ઝઘડીયા, અવિધા, રાજપારડી, ઉમલ્લા, જુના રાજુવાડીયા, આમલેથા,તરોપા અને રાજપિપળાનો સમાવેશ થાય છે. આઝાદી પહેલાના સમયથી ગુજરાતમાં ઘણી નેરોગેજ રેલવે ટ્રેનો ચાલતી હતી. સમયાંતરે ઘણી નેરોગેજ ટ્રેનો બંધ થઇ ગઇ. તેમાં ભરૂચ નર્મદા જિલ્લાને જોડતી કડી સમાન અંકલેશ્વર રાજપિપળા વચ્ચેની રેલ્વે પણ બંધ થઇ. ત્યારબાદ નેરોગેજ લાઇનોનું બ્રોડગેજમાં રૂપાંતર કરાતા અંકલેશ્વર રાજપિપળા વચ્ચેની આ રેલવે પણ બ્રોડગેજ બનાવવામાં આવી. આ લાઇન બ્રોડગેજ બની ત્યારે બન્ને જિલ્લાની જનતા સુંદર સુવિધા મળવાની આશાએ ખુશ જણાતી હતી. પરંતુ બ્રોડગેજ બન્યા બાદ પણ આ સુવિધા શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઇ હોય એમ લાગતુ હતુ આ રેલવે લાઇન પર ફક્ત એક એક સમય આવવા જવા માટે ટ્રેન દોડતી હતી. સાંજે રાજપિપળા જતી ટ્રેન સવારે પરત અંકલેશ્વર જતી હતી. પરંતુ કોરોના મહામારી સમયે લોકડાઉનમાં આ ટ્રેન બંધ થઇ. લોકડાઉન પૂર્ણ થયા બાદ અંશતઃ ઘણી ટ્રેનો ફરી શરુ કરવામાં આવી, પરંતુ અંકલેશ્વર રાજપિપળા વચ્ચેની આ ટ્રેન સુવિધા હજી ચાલુ નથી થઇ. ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર માટે મહત્વની સુવિધા એવી આ રેલવે સુવિધા ફરીથી ચાલુ કરીને તેને વિસ્તૃત બનાવાય એવી લાગણી બંને જિલ્લાની જનતામાં સ્પસ્ટપણે દેખાય છે.
આ રેલવે સેવા અધ્યયન બનાવાય તો રોજ અપડાઉન કરવાવાળા નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ આમ જનતાને તેનો સારો લાભ મળે તેમ છે. ઉલ્લેખનીય છે કે કેવડીયા ખાતે આકાર પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યામાં દિવસે દિવસે મોટો વધારો થશે. આ રેલવે લાઇનને રાજપિપલાની આગળ કેવડીયા સુધી લંબાવવામાં આવે તો અંકલેશ્વરની આગળ સુરત મુંબઇ તરફની ટ્રેન સેવાને પણ કેવડીયા સાથે જોડી શકાય તેમ છે. કેવડીયાને ડભોઇ વડોદરા રેલ્વે સાથે જોડવામાં આવ્યુ છે અને કેવડીયા ખાતે અધ્યયન રેલવે સ્ટેશન પણ બનાવાયુ છે, ત્યારે અંકલેશ્વર રાજપિપળા વચ્ચેની આ રેલવે લાઇનને કેવડીયા સુધી વિસ્તારીને સઘન ટ્રેન સેવા વિકસાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ભરૂચ નર્મદા જિલ્લાની જનતામાં દેખાય છે.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપિપળા રેલવે લાઇન વચ્ચેનું ઝઘડીયા જંકશન રેલવે સ્ટેશન છે. ઝઘડીયાથી અન્ય એક નેરોગેજ લાઇન નેત્રંગ સુધી જાય છે. આ નેરોગેજ રેલવે ઘણા વર્ષોથી બંધ છે. તેના પરના સ્ટેશનો રેલવે ટ્રેક બિસ્માર બની ગયા છે. ઝઘડીયાથી નેત્રંગ વચ્ચે આ રેલવે લાઇન પર કુલ ૭ રેલવે સ્ટેશનો આવેલા છે, જેમાં ઝઘડીયા, ડમલાઇ, પડવાણીયા, ઝાજપોર, ગોરાટીયા, ગંભીરપુરા અને નેત્રંગનો સમાવેશ થાય છે. આ રેલવેનું પણ બ્રોડગેજમાં રુપાંતર કરીને વિસ્તૃત બનાવાય તો આ આદિવાસી પટ્ટીની જનતાને સુંદર સુવિધાનો લાભ મળે તેમ છે. ભરુચ નર્મદા જલ્લાઓને જોડતી અંકલેશ્વર રાજપિપળા વચ્ચેની બંધ ટ્રેન સુવિધા ફરી શરુ કરવામાં કેમ વિલંબ થાય છે?આ રેલવે બંધ તો નથી કરી દેવાનીને? આ બાબતે જનતામાં પ્રશ્નાર્થ સર્જાયો છે. કરોડોના ખર્ચે બનાવેલી આ બ્રોડગેજ રેલવે સેવા બંધ ના થવી જોઇએ નહિ તો કરેલ ખર્ચ નકામો સાબિત થઇ શકે. ત્યારે આ રેલવે સુવિધા ફરીથી શરુ કરીને તેને વિસ્તૃત બનાવાય તોજ બન્ને જિલ્લાની જનતાને તેનો સક્ષમ લાભ મળી શકે. આ બાબતે સ્થાનિક નેતાઓ પણ આગળ આવીને અસરકારક ભુમિકા અપનાવે તે પણ જરુરી ગણાય !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ