આજે તા.8/12/2020 નાં રોજ ભારત બંધના એલાનને પગલે પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતનાં પ્રમુખ પરીમલસિંહ રણાની ધરપકડ તેમના નિવાસ્થાનથી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ટોચનાં વિપક્ષના નેતાઓની તેમજ બંધને સમર્થન આપનારા આગેવાનોની વહેલી સવારે તેમના ઘરેથી અટક કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. તેથી ભરૂચ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતના અવાજને દબાવવા માટે પોલીસે ધરપકડનો દોર શરૂ કરીને સરકારના ઇશારે લોકશાહી રીતરસમને ટૂપો દીધો છે. અંગ્રેજોને પણ શરમાવે તેવી રિતિનીતી અજમાવવામાં આવી હતી. હદ તો ત્યાં થઈ ગઈ જયારે વહેલી સવારનાં સમયથી ભરૂચ પોલીસતંત્ર દ્વારા કોંગ્રેસનાં આગેવાનો અને અન્ય ખેડૂત આગેવાનો તેમજ બંધનાં એલાનને સમર્થનને ટેકો આપનારાઓને લગભગ નજરકેદ કરી લેવામાં આવ્યા હતા.
વિરોધ પક્ષનાં નેતાઓનાં નિવાસસ્થાને વહેલી સવારે પોલીસતંત્રનાં વાહનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જેના પગલે આજુબાજુનાં રહીશો પણ અચંબામાં પડી ગયા હતા અને એવી ચર્ચા કરતાં હતા કે ખેડૂતોનાં આંદોલનોથી સરકાર એટલી ડરી ગઈ છે. વહેલી સવારથી જ નેતાઓ અને ખેડૂતોનાં નેતાઓની ધરપકડ કરી રહી છે. વહેલી સવારે પોલીસતંત્ર દ્વારા કરવામાં આવેલ ધરપકડમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, નગરપાલિકા વિરોધ પક્ષનાં નેતા સમસાદઅલી સૈયદ, રાધે પટેલ વગેરેની અટક કરી હતી.
જીલ્લામાં પણ પોલીસ દ્વારા સંખ્યાબંધ રાજકીય આગેવાનો અને ખેડૂત આગેવાનોની અટક કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દમનનીતિ અને પોલીસતંત્રને હાથો બનાવાઇ લોકશાહી રીતસસમને તૂટવા દેવાની પદ્ધતિ હવે ચાલશે નહીં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.