ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે હેરકટીંગનો વ્યવસાય કરતા સચીનભાઇ હસમુખભાઇ વાળંદના લગ્ન મોભા ખાતે રહેતી હેતલ સાથે થયા હતા. આ યુગલને સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો અક્ષ ૭ વર્ષનો અને નાનો માહિર ૩ વર્ષનો છે. તા.૨૫ નવેમ્બરના રોજ સચીન પત્ની અને બાળકો સાથે વડોદરાના ગોત્રી ખાતે માસીને ત્યાં મકાનના વાસ્તામાં ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેની સાસરીના ગામ મોભા ખાતે રોકાયા હતા. મોભા ખાતે સચીનના મામા સસરા નવીનભાઇને વાલ્વની તકલીફ હોવાથી હેતલ ઘરનું કામકાજ સંભાળવા બંને બાળકો સાથે મોભા ખાતે રોકાઇ હતી.
ગઇ તા.૪ ડિસેમ્બરના રોજ સવારના સાતેક વાગ્યે સચીન પર હેતલનો ફોન આવ્યો હતો. સામાન્ય વાતચીત થયા બાદ સચીને પોતે અત્યારે સુતો હોવાથી પછી કોલ કરશે, એમ કહીને ફોન મુકી દીધો હતો. ત્યારબાદ બપોરના બે વાગ્યાના અરસામાં સચીને પત્ની હેતલને કોલ કર્યો હતો. પરંતુ તેનો મોબાઇલ બંધ બતાવતો હોવાથી સચીને તેની સાળી શીવાનીને ફોન કરીને હેતલ સાથે વાત કરાવવા કહ્યુ હતુ. ત્યારે જાણવા મળ્યુ હતુ કે હેતલ બંને છોકરા સાથે રાજપારડી આવવા નીકળી ગઇ હતી અને શીવાનીના કહ્યા મુજબ હેતલ એમ કહીને ગઇ હતી કે તેનો પતિ સચીન તેને ભરૂચ લેવા આવવાનો છે. હેતલનો ટેલિફોનીક સંપર્ક કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ સચીને ભરૂચ ખાતે ઝાડેશ્વર ચોકડી પર આવીને પત્ની અને બાળકોની તપાસ કરી હતી, પણ કોઇ પત્તો લાગ્યો ન હતો.
તા.૫ ડિસેમ્બરના રોજ સચીને જંબુસર બસ ડેપોમાં જઇને ત્યાંના સીસીટીવી કુટેજ ચેક કર્યા હતા પણ હેતલ કે બંને બાળકોની કોઇ ભાળ મળી ન હતી. પિયર મોભા ખાતેથી રાજપારડી આવવા નીકળેલી આ પરિણીતા હેતલ બંને બાળકો સાથે રહસ્યમય સંજોગોમાં લાપતા થતા પરિવાર ચિંતિત બન્યુ હતુ. હેતલના પતિના જણાવ્યા મુજબ હેતલ સાથે કોઇ અણબનાવ નથી થયો તેમજ તેને કોઇ સાથે આડો સંબંધ હોવાનું પણ જાણમાં નથી. ત્યારે બંને બાળકો સાથે રાજપારડી આવવા નીકળેલ હેતલ કયા સંજોગોમાં ગુમ થઇ તે બાબતે રહસ્ય સર્જાયુ છે. બાદમાં સચીનભાઇ હસમુખભાઇ વાળંદે વડુ પોલીસ સ્ટેશનમાં પત્ની અને બંને પુત્ર ગુમ થયા બાબતની ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ