ભાજપ સરકાર દ્વારા કૃષિબિલ પસાર કરાવ્યા બાદ દેશમાં ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે હાલમાં જ દિલ્હીમાં ખેડૂતો દ્વારા સતત દસ દિવસથી સરકારનાં વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે આ કાળો કાયદો પાછો ખેંચવા માટે ખેડૂતોની માંગ છે ત્યારે ધારાસભ્ય પી.ડી. વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં સમર્થનમાં આવી આ કાયદો રદ કરવા માટે આજે રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.
અવેદનમાં જણાવ્યું હતું કે મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડ અન્નદાતા ઓને મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકી દેશમાં હરીત ક્રાંતિની ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે ઉપરાંત આ કાયદાથી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ (એપીએમસી) નાબૂદ કરવાથી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઇ જશે આ સ્થિતિમાં ખેડૂતોને લઘુત્તમ સમર્થન મૂલ્ય નહીં મળે કે ન તો બજાર ભાવ પ્રમાણે તેમના પાકની કિંમત મળશે. જો સમગ્ર દેશમાં કૃષિ ઉપજ બજાર એટલે કે એ.પી.એમ.સી વ્યવસ્થા ખતમ થઈ જશે તો સૌથી મોટું નુકસાન ખેડૂત અને ખેત મજુરોને થશે અને સૌથી વધુ ફાયદો મુઠ્ઠીભર મૂડીપતિઓનો થશે તેવો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવ્યો છે.
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ હરેન્દ્રભાઇ વાળંદે જણાવ્યું હતું કે કૃષિ બિલથી દેશનો ખેડૂત પાયમાલ બનશે આ કાયદો રદ થાય તેવી તેઓએ માંગ કરી છે ઉપરાંત નાંદોદનાં ધારાસભ્ય પી.ડી વસાવાએ જણાવ્યું હતું કે આ કાળો કાયદાથી દેશની તમામ તાલુકાઓની એ.પી.એમ.સી. બંધ થશે જેના કારણે ખેડૂતોને ખેત મજુરોને ઉપરાંત ટ્રાન્સપોર્ટરોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની પૂરેપૂરી ભીતિ છે તેમજ હાલ ખેડૂતની પરિસ્થિતિ દયનિય છે અને વધુ કફોડી બનશે.
રાજપીપળા : આરીફ જી કુરેશી