તાજેતરમાં કેટલાંક દૈનિક પત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જના રૂપિયાની ઉચાપત થઈ હોવાના જે સમાચાર પ્રસિદ્ધ થયેલ હતા તે અંગે ખુલાસો કરવામાં આવેલ હતો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ અનિયમિતતા કે નાણાંકીય ભૂલ થયેલ નથી. વહીવટીતંત્ર દ્વારા તમામ હિસાબો અને રસીદો નિયમ મુજબ જાળવવામાં આવેલ છે અને કોઈ નાણાંકીય ઉચાપત કે નાણાંકીય નુકશાન થયેલ નથી.
વધુમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની આવકની દૈનિક કલેક્શનની રકમ HDFC બેન્ક દ્વારા કેવડિયા ખાતેથી લઇને તેમની વડોદરા બ્રાંચમાં જમા કરવામાં આવે છે આ રકમ HDFC બેન્કની પોતાની એજન્સી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી સ્વીકારવામાં આવે છે અને તેની રસીદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દૈનિક ધોરણે ઇસ્યુ કરવામાં આવે છે સમયાંતરે સદર હુ નાણાકિય વ્યવહારોનું મેળવણું કરવામાં આવતું હોય છે.
આ મુજબ મેળવણું કરવામાં આવતા HDFC બેન્ક દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેન્ક ખાતામાં તફાવતની રકમ રૂા.પ,ર૪,૭૭,૩૭પ/- જમા કરાવી દેવામાં આવેલ છે તથા વિલંબીત સમય માટે વ્યાજની ચૂકવણી માટે પણ બેન્ક દ્વારા બાંહેધરી આપવામાં આવેલ છે. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા કોઈ નાણાંકીય અનિયમિતતા/ભૂલ થયેલ નથી. HDFC બેન્ક દ્વારા તેઓએ રોકેલ એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ સામે આ નાણાંની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર પાસેથી મેળવ્યા બાદ બેન્ક ખાતામાં જમા ન કરાવવા બદલ HDFC બેન્ક દ્રારા કેવડીયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવેલ છે જે તેમની આંતરિક બાબત છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રને તેને લીધે કોઈ જાતનું નુકશાન થયેલ નથી જાહેર જનતામાં આ બાબતે કોઈ ગેરસમજ ન ફેલાય તે હેતુથી આ જાહેર ખુલાસો કરવામાં આવે છે
રાજપીપળા : આરીફ જી કુરેશી