દેવ ઉઠી અગિયારસનાં દિવસથી ભરૂચ પંથકમાં લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે. આજે અને આવતીકાલે ભરૂચ જીલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ વીતેલ લગ્ન પ્રસંગની મોસમો અને હાલની લગ્ન પ્રસંગની મોસમમાં જમીન આસમાનનો ફર્ક છે.
હાલ કોરોના મહામારીનાં દિવસોમાં યોજાતા લગ્નનાં આયોજકો કોરોના ગાઈડલાઇન તેમજ કાયદાથી ડરી રહયા છે. લગ્ન પ્રસંગે માત્ર 100 માણસની પરવાનગી અંગે આયોજકોનાં જણાવ્યા મુજબ ઘર-ઘરનાં અને નજીકનાં સગા-સંબંધીને લગ્ન પ્રસંગમાં બોલાવીએ તોપણ સંખ્યા 100 કરતાં વધી જાય છે તેથી કેટલાક લગ્ન આયોજકોએ સવાર સાંજ ભોજન સમારંભ યોજી મહેમાનોને બે વિભાગમાં વહેંચી દીધા છે તો કેટલાકે લગ્ન પ્રસંગ અંગે મોઢું મીઠું કરાવવા મીઠાઇ મોકલી સંબંધ સાચવી લીધા છે. આ બધુ કરવા છતાં કોઈ પોલીસ તંત્રની કે અમલદારોની ચકાસણી આવે તે માટે જુદું ફંડ પણ આયોજકો તૈયાર રાખતા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે.