શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર સ્વ.અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે શોકસભા યોજાઇ હતી. અંકલેશ્વરનાં પીરામણ ગામનાં તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાના લોકલાડીલા અને પનોતા પુત્ર તથા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શ્રી અહેમદભાઈ પટેલનાં દુઃખદ નિધનથી આખા અંકલેશ્વરમાં જ નહીં સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આજરોજ અંકલેશ્વરનાં હાંસોટ રોડ પર આવેલી શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોલેજનાં સંચાલક પંકજભાઈ કડકીયાની ઉપસ્થિતિમાં સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના સંચાલક પંકજભાઈ કડકીયા, કેમ્પસનાં ડાયરેક્ટર ડો. તિવારી, કોલેજનાં કાર્યકારી આચાર્ય ડૉ.હેમંત દેસાઈ સહિત તમામ શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફ જોડાયા હતાં.
સંચાલક પંકજભાઈ કડકીયાએ પ્રાર્થનાને અંતે જણાવ્યું હતું કે, “આપણી આ કોલેજ શરૂ કરવા માટે સૌ પ્રથમ સ્વ. અહેમદભાઈ એ જ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમજ કોલેજ શરૂ કરવામાં તેઓનો જ ફાળો રહ્યો છે. સ્વ. અહેમદભાઈએ કોઈ પણ જાતિ ધર્મ કે કોઈપણ પક્ષને ધ્યાને લઈને નહીં પણ લોક સેવાને ધ્યાને લઈ અનેક સેવાના કાર્યો કર્યા છે. પંકજભાઈએ જણાવ્યું હતું કે સ્વ. અહેમદભાઈના નિધનને કારણે સમગ્ર દેશને એક બહુ મૂલ્યવાન લોકનાયક નેતાની ખોટ પડી છે. ” કોલેજ સ્ટાફ પરિવારે પણ સ્વ. અહેદભાઈ માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. સ્વ. અહેમદભાઈ પટેલના વ્યક્તિત્વ અને તેઓએ કરેલા સેવાકાર્યોને ચિરકાળ સુધી ભૂલી શકાય એમ નથી. સ્વ. અહેમદભાઈ પટેલના આત્માને પણ ચિરશાંતિ આપે તે માટે અત્રેની કોલેજનાં સંચાલક મંડળ તેમજ તમામ સ્ટાફ પરિવાર પ્રાર્થના કરે છે.