ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જી.આઇ.ડી.સી. માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. ભુતકાળમાં પણ જી.આઇ.ડી.સી. માં કેટલાક ચોરીનાં બનાવો બન્યા હતા. આવા બનાવોની પરંપરાને જાળવી રાખતી અન્ય એક ઘટનામાં જી.આઇ.ડી.સી. માં કામ કરતા બે કામદારો પર ચપ્પુથી હુમલો કરીને લુંટી લીધા હોવાની ઘટના બનતા જનતા ચિંતિત બની છે.
મળતી વિગતો મુજબ જી.આઇ.ડી.સી. ની મેટ્રોપોલિટન કંપનીમાં કામ કરતા બાલારામ ફગુવા પ્રેમી ધૂર્વે તેના મિત્ર કુમારુ સાથે સાંજના સાડા છ નાં અરસામાં જી.આઇ.ડી.સી. ની એક ચોકડી પર નાસ્તો લેવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે બાઇક પર આવેલા ચાર ઇસમોએ તેમને રોક્યા હતા. બાઇક પરથી નીચે ઉતરેલા ત્રણ ઇસમોએ આગળ ચાલતા હિમાશું ચતુર્વેદી નામના કામદારનો મોબાઇલ ઝુંટવી લીધો હતો. ઉપરાંત અન્ય બે કામદારો પાસેથી પણ મોબાઇલ અને ખીસ્સામાં રહેલા રૂ.૩૦૦૦ ખુંચવી લીધા હતા. બાઇક પર આવેલ ઇસમોએ હિંમાશુ તથા બાલારામ પર ચપ્પુથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. લુંટ ચલાવી આ ઇસમો ભાગી છુટ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કામદારોને સારવાર માટે વાલિયા લઇ જવાયા હતા. આ બનાવ સંદર્ભે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ