૮૦ મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનાં બીજા દિવસનો પ્રારંભ મહાનુભાવોએ સંવિધાન દિનની ઉજવણી કરીને કર્યો હતો. વિવિધ રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદનું પ્રતિનિધિત્વ કરી રહેલા પદાધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્ર થયા હતા અને રાષ્ટ્રની એકતા-અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વ સમી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમક્ષ સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ દિલ્હીથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. તેમણે આમુખનું વાંચન કરાવ્યું હતું. બંધારણીય રીતે કાર્ય કરવા સૌ સંકલ્પબઢ થયા હતા.
લોકશાહીના મંદિર સમાન લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા-વિધાનપરિષદના અધ્યક્ષ ઉપાધ્યક્ષ આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત થયા હતા. જ્યાં સૌએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. બાદમાં સૌ મહાનુભાવો સામાજિક અંતરના પાલન સાથે પ્રતિમાનાં પરિસરમાં એકત્ર થયા હતા.
રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિડીઓ કોન્ફરન્સિંગ મારફત જોડાયા હતા અને તેમણે બંધારણના આમુખનું વાંચન કરાવ્યું હતું અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ ૨૬ મી નવેમ્બર, ૧૯૪૯ ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.”
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બંધારણની ઉદેશિકાનું પઠન કર્યું હતું.
રાજપીપળા : આરીફ જી કુરેશી