ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક આવેલ રાજશ્રી પોલીફીલ નામની કંપનીમાં વાઇસ પ્રેસીડેન્ટના મકાનમાંથી તસ્કરો સોનાના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ રૂ.૭.૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી જતા આ અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. આ અંગે મળતી વિગતો મુજબ બી.બી. ચક્રવર્તી છેલ્લા આઠ વર્ષથી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તારીખ ૧૭.૧૧.૨૦ થી ૨૨.૧૧.૨૦ સુધી તેઓ રજા પર હોઇ તેમના વતનમાં ગયા હતા. ૨૩ મી તારીખે કલકત્તાથી પરત ફરીને તેઓ તેમના કંપની ખાતેની રાજેશ્રી કોલોનીમાં આવેલ તેમના ઘરે ગયા હતા, ત્યારે તેમણે તેમના ગાર્ડન તરફનો દરવાજો ખુલ્લો હોવાની શંકા ગયેલ. જેને લઇને તેમણે ઘરમાં જઇને તપાસ કરતા લોખંડના કબાટના દરવાજાના લોકનો સ્ક્રુ ઢીલો હોવાનું જણાયુ હતુ અને કબાટ ખોલતા કબાટમાં મુકેલા સોનાના ઘરેણા બોક્સમાં દેખાયા નહિ. તેથી ચોરી થઇ હોવાની ખાતરી થવા પામી હતી. આ ચોરીમાં વાઇસ પ્રેસિડેન્ટ બી.બી ચક્રવર્તીના ઘરેથી ૧૩ તોલાના સોનાના ઘરેણાં તથા રોકડા રૂપિયા ૩૦ હજાર મળીને કુલ રૂ.૭.૨૦ લાખની ચોરી થયાનું જણાયું હતું. જેથી વાઇસ પ્રેસિડન્ટ બી.બી.ચક્રવર્તીએ ઉમલ્લા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઉમલ્લા પોલીસ દ્વારા એફએસએલ તથા ડોગ સ્કવોર્ડની મદદ લઇને ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ