સરકારી જિલ્લા પુસ્તકાલય ગોધરા ખાતે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અંતર્ગત જિલ્લાના કવિઓનું કવિસંમેલન પણ યોજવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લા પુસ્તકાલય ગોધરા ખાતે તાજેતરમાં જ એક કવિ સંમેલન યોજાઈ ગયું જેમાં પંચમહાલના જાણીતા અને નવોદિત કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ગ્રંથપાલ વિધાબેન ભમાતે કાર્યક્રમના ઉદ્ઘાટનમાં પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજે ટેકનોલોજીના યુગમાં પુસ્તકો તરફ લોકો ઓછા વળે છે પરંતુ પુસ્તકો જ્ઞાન અને માહિતી આપે છે તે અન્ય રીતે શક્ય નથી આપણે ત્યાં 45 હજારથી પણ વધુ પુસ્તકો છે જે દરેક ભાષાઓમાં છે દરેક ક્ષેત્રના છે કોઈ પણ નાગરિક જિલ્લા પુસ્તકાલયના માત્ર દસ રૂપિયામાં સભ્ય બનીને આ જ્ઞાનના ખજાનાનો ઉપયોગ કરે તો સમાજ માટે ખૂબ જ હિતાવહ છે. આ માટે તેઓએ નાગરિકો વાંચન તરફ વળે તેવી ખેવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર સન્માનિત સર્જક ડૉ રાજેશ વણકરે વાંચન વડે થતા વ્યક્તિત્વ વિકાસની વાત રવીન્દ્રનાથ ટાગોર, ઉમાશંકર જોશી, ડો બાબા સાહેબ આંબેડકર વગેરેના ઉદાહરણો આપીને સમજાવી હતી તેઓએ જણાવ્યું હતું કે જગતની કોઈ પણ સંસ્કૃતિ તેના લિખિત સાહિત્યમાં પડેલી છે એને પામવા માટે વાંચન એકમાત્ર ઉપાય છે.ઉત્તમ વાંચન મન અને તનને સ્વસ્થ તથા સ્વચ્છ રાખે છે. આ પ્રસંગે સીઆરસી કો ઓર્ડીનેટર કૌશિક પટેલ, પરિવેશ સામયિકના સંપાદક વીનુ બામણિયાએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં સમગ્ર કાર્યક્રમનું સંકલન કરતાં કવિ પ્રવીણ ખાંટે ઉત્તમ વાંચનનાં ઉદાહરણો આપ્યાં હતાં.
કવિ સંમેલનમાં જિલ્લાના કવિઓ રાજેશ વણકર, વિનુ બામણિયા, સતીષ ચૌહાણ, શૈલેષ ચૌહાણ, બાબુ પટેલ , કૌશિક પટેલ, રંજનબેન ખાંટ, જીબીશા પરમાર, બાબુ સગાડા, વનરાજ સોલંકી, કમલેશ ચૌહાણ, ગુરુપ્રસાદ વગેરે કવિઓ ઉપરાંત હિંમતનગરના અતિથિ કવિ અનંત રાઠોડે પોતાની કાવ્યકૃતિઓ રજૂ કરીને વાતાવરણને સાહિત્યિક બનાવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી