ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે આજે ગાંધીગનર ખાતેથી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા મથકે અંદાજે રૂા. ૧૦ કરોડ ૭૪ લાખના ખર્ચે અંદાજે ૫,૬૩૫ ચો.મી. વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
ગરૂડેશ્વર તાલુકા સેવા સદન ખાતે ઉક્ત ઇ-લોકાર્પણના યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, પૂર્વ મંત્રી શબ્દ શરણભાઇ તડવી, જિલ્લા પંચાયતના સભ્ય શારદાબેન તડવી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી, ભરૂચ અને નર્મદા જિલ્લાના દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ દેસાઇ, જિલ્લાના મહિલા અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના અગ્રણી ભારતીબેન તડવી સહિત ગરૂડેશ્વર તાલુકાના સંરપચશ્રીઓ,અધિકારી ઓ વગેરેની ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદનના ઇ-લોકાર્પણ કાર્યક્રમને દિપ પાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે ભરૂચના સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા મથકે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું આજે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ છે, ત્યારે હવે ગરૂડેશ્વર તાલુકાના લોકોને સરળતાથી જ અહિંથી તમામ પ્રકારની સેવાઓ મળી રહેશે. તેની સાથોસાથ ગજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેનો લાભ જિલ્લાના છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ૨૨ પ્રકારની સેવાઓ સરળતાથી ઘર આંગણે જ ગ્રામ પંચાયત ખાતેથી ઉપલબ્ધ બની છે તેની સાથોસાથ અન્ય યોજનાઓના લાભો પણ પ્રજાજનોને સરળતાથી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાયું હતું સંસદ સભ્ય વસાવાએ વધુમાં હહ્યું કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગરૂડેશ્વર તાલુકામાં આવેલી હોવાથી નર્મદા જિલ્લો પણ ગૌરવશાળી ગણાય છે. આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ અનેક પ્રોજેક્ટનું નિર્માણ થશે, જેનાથી અહિંના લોકોને રોજગારી પણ મળી રહેશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીનુ એક સૂત્ર છે “ જન સેવા એજ પ્રભુ સેવા ” તેને સાચા અર્થમાં સાકાર કરવાની હિમાયત તેમણે કરી હતી.
છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, ગરૂડેશ્વર તાલુકા સેવા સદન બનવાથી અહીંના લોકોને આવકનો દાખલો, ૭-૧૨, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા અનેકવિધ કામો માટે હવે તેમણે દૂર નહી જવુ પડે અને એક જ જગ્યાએથી તમામ પ્રકારના કામો સરળતાથી થઇ શકશે તેની સાથોસાથ નોવેલ કોરોના મહામારીને સૌ સાથે મળીને તેનો સામનો કરીએ અને સરકારશ્રીની માર્ગદર્શિકાનું પાલન કરવા તેમણે જણાવ્યું હતું.
પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી અને નર્મદા દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ દેસાઇએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન પણ કર્યા હતા. અંતમા ઉપસ્થિત મહાનુભાવોએ નવનિર્મિત તાલુકા સેવા સદનની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માર્ગદર્શન મેળવ્યું હતુ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ઉપરાંત તાલુકા સબ-ટ્રેઝરી કચેરી, સબ-રજિસ્ટ્રાર કચેરી, કોન્ફરન્સ હોલ, જીસ્વાન રૂમ વગેરે જેવી સુવિધાઓ ઉભી કરાઇ છે આમ, આ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીને લગતી વિવિધ કામગીરી-સેવાઓ ઉપરાંત જમીનને લગતા કેસોની એન્ટ્રીની સુવિધા એક જ સ્થળે સરળતાથી મળી રહેશે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનના કરાયેલા ઇ-લોકાર્પણ પ્રસંગેના કરાયેલા સીધા પ્રસારણમા કાર્યક્રમને અનુરૂપ પ્રાંસગિક પ્રવચન પણ કર્યુ હતું. આ પ્રસંગે પ્રાંત અધિકાર કે.ડી.ભગતે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમા ગરૂડેશ્વર તાલુકાના મામલતદાર મિતેશભાઇ પારેખે આભારદર્શન કર્યુ હતું.
રાજપીપળા : આરીફ જી કુરેશી