ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કેટલાક ગામોમાં અંકલેશ્વરના પવન ઇન્ડિયન ડીલર દ્વારા ગેસના બાટલોનું તેના ગ્રાહકોને ઘેરબેઠા વિતરણ કરવામાં આવે છે. જાણવા મળ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી પવન ઇન્ડેન સંચાલકો દ્વારા તેના ડીલીવરી બોય અને ગ્રાહકો પાસેથી ફરજિયાત ઓનલાઇન પેમેન્ટ ગુગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું દબાણ કરવામાં આવતાં ડીલીવરી બોય દ્વારા ગ્રાહકો પર ઓનલાઈન પેમેન્ટ કરવા દબાણ કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યુ છે. આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે પવન ઇન્ડિયન અંકલેશ્વરની ડીલીવરી વાન ગેસના બોટલ ડિલિવરી કરવા આવી હતી. ડીલીવરી બોય દ્વારા ગ્રાહક પાસે ફરજીયાત ઓનલાઇન ગુગલ પે કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જેથી ગ્રાહકે ઓનલાઇન પેમેન્ટ કરવાની ના પાડતા ડીલીવરી બોયે અંકલેશ્વર પવન ગેસના સંચાલકનો નંબર આપ્યો હતો. તેની સાથે વાત કરતા સંચાલકે ફરજિયાત બોટલનું પેમેન્ટ ઓનલાઇન કરવા જણાવ્યું હતું. ગ્રાહકે તેને પૂછ્યું કે સરકારનુ એવું કોઈ સર્ક્યુલર છે ખરુ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ? તો તેણે જણાવ્યું હતું કે ઓફિસે આવીને સર્ક્યુલર જોઈ જજો, ત્યારબાદ આ બાબતે ગ્રાહકે ઝઘડિયાના મામલતદાર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એવો કોઈ સર્ક્યુલર ફરજીયાત ઓનલાઇન પેમેન્ટ કરવાનો આવ્યો નથી. એવું કંઈક હશે તો હું તપાસ કરાવી લઈશ, તેમ જણાવ્યું હતું. ગ્રાહક દ્વારા મામલતદાર સાથે સીધી વાત કરતાં ડીલીવરી કરવા આવેલે વાત સમજતાં તેણે ગ્રાહકને રોકડા પૈસા લઈ ગેસ બોટલની ડીલીવરી આપી હતી. પવન ઇન્ડિયન અંકલેશ્વર દ્વારા સરકારના ડિજીટલ ઇન્ડિયા કન્સેપ્ટની યોજનાનું ખોટું અર્થઘટન કરી અવારનવાર ગામડાના ગ્રાહકોને કે જેઓ પૈકી ઘણા એન્ડ્રોઇડ ફોનનો વપરાશ કરતા નથી, તેવા પાસે પણ ગુગલ પે દ્વારા પેમેન્ટ કરવાની માંગણી કરે છે. આ બાબતે ગામના એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટર જિલ્લા ડીએસઓ નાયબ કલેકટર ઝઘડિયા તથા મામલતદાર ઝઘડિયા ને વોટસએપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ