સુરતના પુણા વિસ્તારનાં કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને તેમના પરિવાર દ્વારા કોરોના મહામારીમાં લોકોની સુખાકારી અને આરોગ્ય સારું રહે તેવી ભાવના સાથે તેમજ પર્યાવરણનું જતન થાય એવા સંદેશ સાથે એક સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. ૧૭ મી ની રાત્રે સુરત ખોડલધામ કાર્યાલય ખાતેથી સાયકલ યાત્રીઓને પ્રવાસ માટે લીલી ઝંડી સુરત જીલ્લા કન્વીનર કે.કે કથીરીયા દ્વારા આપવામાં આવી હતી. આ સાઇકલ યાત્રીઓ ઝઘડિયા તાલુકામાં પ્રવેશીને મૂલદ ગામે આવ્યા હતા તથા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. આ સાયકલ યાત્રીઓનું ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પંકજભાઈ ભુવા, ઝઘડીયા તાલુકા ખોડલધામ સમિતિના તેજસભાઈ પટેલ, ભરૂચ ખોડલધામ યુવા સમિતિના સંજયભાઈ દેસાઈ, અંકલેશ્વર યુવા સમિતિના કન્વીનર દેવેનભાઇ સાવલિયા, નિતીનભાઈ સાવલિયા, રાજુભાઈ તેમજ મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયાના ખોડલધામ સમિતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ વતી પંકજભાઈ ભુવાએ સાયકલ યાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેમના લક્ષમાં તેઓ સફળ થાય તેવી પ્રાર્થના કરી હતી. ત્યારબાદ સાયકલ યાત્રીઓ કરજણ વડોદરા તરફ રવાના થયા હતા. આગામી ૨૨.૧૧.૨૦ ના રોજ સાયકલ યાત્રીઓ ખોડલધામ પહોંચી ખોડલ માતાના દર્શન કરશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ