અંકલેશ્વર રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બધા રસ્તાઓમા મહત્વનો મનાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મહત્વનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ અમુક કામગીરી થયા પછી કામ ખોરંભે પડી ગયુ અને તે વાતને પણ લાંબો સમય વિતવા છતાં આ અધુરી કામગીરી ફરીથી ચાલુ કરવામાં ઉદાશીનતા દેખાઇ રહી છે, તેને લઇને જન સમુદાયમાં સ્પષ્ટપણે નારાજગી દેખાય છે. આ બાબત ઘણીવાર અખબારી માધ્યમો દ્વારા પ્રકાશમાં આવી છે, છતાં કોઇ જ પરિણામ આવ્યુ નથી. તેને લઇને જનતાની પરેશાનીમાં દિવસેને દિવસે વધારો થતો દેખાય છે. ચોમાસુ પુરુ થયુ અને દિવાળી આવી, છતાં રોડની બંધ થયેલી કામગીરી ચાલુ કરવા બાબતે હજી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. ચાર માર્ગીય કામગીરીની શરૂઆત થઇ ત્યારબાદ કેટલીક જગ્યાએ રોડ ફોર ટ્રેક બની ગયો હતો. પરંતુ રોડની કામગીરી સ્થગિત થઇ ગયા બાદ જ્યાં રોડ બન્યો હતો ત્યાં પણ બિસ્માર બની જતા જનતાની હાલાકી વધી રહી છે.
કેટલાક સ્થળોએ માર્ગ દુરસ્ત કરવા મેટલોના ઢગલા કર્યા પરંતુ ત્યારબાદ કામગીરીના અભાવે પત્થરો રોડ પર વેર વિખેર થઇને વાહન ચાલકોની યાતનામાં વધારો કરી રહ્યા છે. ઘણાં સ્થળોએ ધુળ ઉડવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. કેટલાક સ્થળોએ રોડ પર મેટલો ઉપસી આવ્યા છે. ઉપસેલા અણીદાર પત્થરોના કારણે વાહનોના ટાયરોને નુકસાન થવાની દહેશત પણ જણાય છે. અંકલેશ્વરથી રાજપારડી વચ્ચે ઘણા નાળા પુલોની કામગીરી અધુરી પડેલી છે. માર્ગની બંધ પડેલી કામગીરી ફરીથી ધબકતી બનાવીને જો એના રૂપમાં જનતાને નવા વર્ષની ભેટ અપાય તો તે પગલુ સાચા અર્થમાં આવકારદાયક ગણાય ! લોકડાઉન પૂર્ણ થયુ છે અને અનલોકની પ્રક્રિયા પણ લગભગ પૂર્ણતાના આરે છે, છતાં માર્ગની બંધ પડેલી કામગીરી શરૂ કરવામાં તંત્ર દ્વારા કોઇ રસ નથી બતાવાતો તે વાત દુખદ ગણાય.
આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ હોવા ઉપરાંત રાજપીપલાની આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે પણ જોડાય છે. ચોવીસ કલાક વાહનોની રફતારથી માર્ગ ધબકતો રહે છે. માર્ગ દિવસેને દિવસે બિસ્માર બની રહ્યો છે ત્યારે બોડેલી, નસવાડી તરફથી સુરત તરફ જવાવાળા વાહનો રાજપીપલાથી વાયા નેત્રંગના માર્ગનો ઉપયોગ કરતા હોવાની વાતો પણ જાણવા મળી છે. કેટલાક સ્થળોએ માર્ગની બિસ્મારતાના કારણે વાહનોએ એક જ બાજુના માર્ગે આવ-જાવ કરવી પડતી હોવાની લાગણી વાહન ચાલકો અનુભવી રહ્યા છે.ત્યારે રોંગ સાઇડે દોડતા વાહનોથી જીવલેણ અકસ્માતો સર્જાય તો તેને માટે કોણ જવાબદાર ગણાય ?! ત્યારે વિશાળ જનહિતને ધ્યાનમાં લઇને સ્ટેચ્યુને જોડતા આ મહત્વના માર્ગની બંધ પડેલી કામગીરી તાકીદે શરૂ કરાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ