ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે જેટકો કંપનીના નવા બનેલા સબ સ્ટેશનમાંથી કુલ ૭૧ નંગ જેટલી અલગ-અલગ ઈલેક્ટ્રીક વસ્તુઓની ચોરી થઈ છે. આ અંગે કંપનીના નાયબ ઇજનેર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં ૪,૩૮,૦૮૨ રૂપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ લખાવવામાં આવી છે. મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા કૈલાશ કાશીનાથ ખેરનાર સબ ડિવિઝનલ ઓફિસ કીમ ખાતે નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ તેમની ઓફિસે હતા, તે દરમિયાન જેટકો કંપનીના ભરૂચ જિલ્લાના સિક્યુરિટી સુપરવાઇઝર રણજીતભાઈ ચૌહાણનો તેમના પર ફોન આવ્યો હતો અને ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે જેટકોના નવા બનેલા ૬૬ કેવી સબ સ્ટેશનમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. નાયબ ઇજનેર કૈલાસ ખેરનાર સ્ટાફ સાથે ધારોલી જેટકો સબ સ્ટેશન ખાતે આવ્યા હતા. સબ સ્ટેશન ખાતે તપાસ કરતાં સબ સ્ટેશનમાંથી કોપર પ્લેટ ઇલેક્ટ્રોડસ, જમ્પર, પટ્ટા, સેમ્પલિંગ વાલ્વ, બસ બાર, કપલ પેનલ એડેપ્ટર સાથે મળી કુલ ૭૧ જેટલી નાની મોટી ઈલેક્ટ્રીક વસ્તુઓની ચોરી થઇ હોવાનું જણાયું હતું. કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા રૂ. ૪,૩૮,૦૮૨ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ચોરીની ઘટના બાબતે નાયબ ઈજનેર કૈલાશ ખેરનારે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ