ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં પીલુદરા ગામ ખાતેથી યુવાનોને નશાનાં રવાડે ચઢાવતા એવા ગાંજાની હેરાફેરી અંગે તેમજ ગાંજાનાં વેપલા અંગે એસ.ઓ.જી પોલીસે એક આરોપીની અટક કરી હતી.
આ અંગેની વિગત જોતા ભરૂચ એસ.ઓ.જી. પોલીસે રૂ.47 હજારથી વધુનાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે જબુંસરનાં પીલુદરાથી એક આરોપીની અટક કરી હતી. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂદ્ધના કેસો શોધી કાઢવા સુચના આપેલ તેના આધારે ભરૂચ એસ.ઓ.જી. ની ટીમ જંબુસર – વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળેલ હતી કે જંબુસર તાલુકાના પીલુદરા ગામ કેનાલ ચોક્ડી નજીક રહેતા શીવા ભીમસંગભાઇ પરમારના ઘરે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખવામાં આવેલ છે. આ બાતમીના આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર એસ.એસ.રાઠોડ જંબુસર વિભાગ તથા એસ.ઓ.જી. ટીમ સાથે તેના ઘરે રેઇડ કરતા ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય ગાંજાનો 7 કિલો 962 ગ્રામનો કિંમત રૂપિયા 47,772 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો તેમજ મોબાઇલ ફોન તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા 48,572/- નાં મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.