આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી પોત પોતાના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી રહ્યા છે. જેના ભાગરૂપે શનિવારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષા ગાયત્રી બા વાઘેલાની ઉપસ્થિતિમાં કરજણ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરો જોડાઈ હતી.
ગાયત્રી બા વાઘેલાએ કાર્યક્રમમાં હાજર કોંગી મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે ત્રીજી નવેમ્બરે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં વધુમાં વધુ મતદાન કરાવી તેઓને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા પછી મિડીયા સમક્ષ નિવેદન આપતા ગાયત્રી બા વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ ગાયત્રી બા વાઘેલાની આગેવાની હેઠળ કરજણ નગરના જુના બજાર સહિત વિવિધ વિસ્તારોમાં જન સંપર્ક કરી લોકોને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા મંત્રી જાનકી બેન પટેલ, વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ અધ્યક્ષા લતાબેન સોની, વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષા સરસ્વતીબેન દેસાઈ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાય, કરજણ તાલુકા પંચાયતના અધ્યક્ષા દીપ્તિબેન ભટ્ટ, કરજણ તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ રેહાનાબેન કડીવાળા સહિત મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને જ્યોતિ બા જાડેજાએ મહિલા કાર્યકરોને સાથે રાખી સફળ બનાવ્યો હતો.