ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીકના ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ ઉપર થયેલા હુમલાની ઘટનાને ત્રણ ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી, તેમજ અકસ્માત કરીને ફરાર થયેલા હાઇવા ચાલક સુધી પણ પહોંચી શકી નથી. ત્રણ દિવસ પહેલા ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરના ગેટ નજીક અજાણ્યા હાયવાની અડફેટે ત્રણ મહીલાઓના મોત નિપજ્યા હતા. જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માતના પગલે ચક્કાજામ કરી ગુમાનદેવ મંદિરના મહંત ઉપર હુમલો કરી તેમને ઢોર માર માર્યો હતો. આ ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં ઝઘડિયા પોલીસ એક પણ આરોપીને શોધી શકી નથી ઉપરાંત અકસ્માત કરીને ફરાર થયેલા હાઈવા તથા તેના ચાલકને શોધી શકી નથી. ઝઘડિયા પોલીસ માત્રને માત્ર હવામાં બાચકા ભરતી હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.ઉલ્લેખનીય છે કે ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ ઉપર થયેલા હુમલાને સમગ્ર સાધુ સંત વખોડી રહ્યો છે અને ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ મહંત પર થયેલા હુમલા બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કેટલાક સાધુ સંત પાલઘરની ઘટના ભરૂચમાં રીપીટ થઇ હોય તેમ જણાવી આક્રોશ ઠાલવી રહ્યા છે. તેમ છતા ઝઘડિયા પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લેતી નથી તેમ હાલ તો દેખાઇ રહ્યુ છે. વહેલી સવારે રોજગારી માટે નીકળેલ અને વાહનની રાહ જોઇને ઉભેલ ત્રણ નિર્દોષ મહીલાઓના અકસ્માતમાં મોત નિપજયા હતા. પોલીસે અજાણ્યા વાહન સામે ફરિયાદો દાખલ કરી પરંતુ પોલીસને આ અજાણ્યા વાહન ચાલકને શોધવામાં હજુ સુધી કોઇ સફળતા મળી નથી. તો બીજી તરફ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ મંદિરના મહંત ઉપર એમ કહી હુમલો કર્યો કે સીસીટીવી કેમેરા કેમ ચાલુ કરતા નથી ? હુમલા બાદ મંદિરના મહંતે રૂપિયા ૫.૮૦ લાખની ધાડ લુંટની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરંતુ તેમાં પણ ઝઘડિયા પોલીસ હજુ સુધી એક પણ આરોપીને પકડી શકી નથી કે તેની કોઇ કડી પણ શોધી શકી નથી એમ લાગી રહ્યું છે. ગુમાનદેવ મહંત ઉપર થયેલા હુમલાના વીડિયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ થઇ રહ્યા છે જેમાં મહંત ઉપર હુમલો કરનાર હુમલાખોરોની ઓળખ થઈ શકે તેમ છે. આ તમામ વિડીયો પોલીસ પાસે પણ હશે જ. પોલીસ ફરિયાદમાં આઠ વ્યક્તિઓના નામ છે કે જેની સામે ફરિયાદ કરવામાં આવી છે સાથે સાથે ૫૦ થી ૬૦ ના પુરુષોના ટોળા અને ૨૫ થી ૩૦ ના મહીલાના ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો તથા મંદિરના સીસીટીવી કેમેરામાં હુમલાખોરો સ્પષ્ટ રીતે જણાઈ આવે છે, તેમ છતાં ઝઘડિયા પોલીસ કોઈ સઘન કામગીરી કરવાને બદલે માત્રને માત્ર હવામાં બાચકા મારી રહી હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ