આજે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂકયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડા પ્રધાન દ્વારા આ વિસ્તારને પ્રવાસન કેન્દ્ર તરીકે વિખ્યાત કરવા માટે અહીં જુદા-જુદા થીમ બેઝ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં બાળકોથી માંડીને કુટુંબનાં દરેક વયજૂથનાં લોકો માટે એક અલગ આકર્ષણ ઊભું કરી નર્મદા જીલ્લાનાં કેવડીયાને વૈશ્વિક કક્ષાએ પ્રવાસનધામ તરીકે કામગીરી કરવામાં આવી હતી. આજે આ કામગીરી પૂર્ણ થયે ટૂંક સમય પહેલા ટ્રાયલ બેઝ પર પ્રવાસીઓને અહીં પ્રવેશ અપાયો હતો. આજે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કુલ 17 જેટલા પ્રકલ્પોનું બે દિવસમાં લોકાર્પણ થવાનું છે જેમાં આજે આઠ જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ થશે અને વડ પ્રધાન કેવડીયા ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતી કાલે અન્ય નવ પ્રકલ્પોનું લોકાર્પણ પૂર્ણ કરી વિદાઇ લેશે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા વિસ્તારમાં આરોગ્ય વન, એકતા મોલની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે આજે એકતા મોલનું લોકાર્પણ કર્યું હતું અને એકતા મોલમાં મૂકેલી વસ્તુઓની તલસ્પર્શી વિગતો જાણી હતી. આ એકતા મોલમાં દેશનાં જુદા-જુદા રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરિયા છે. આ એકતા મોલ બે માલ અને 35 હજાર ચોરસ ફૂટમાં પથરાયેલો છે. અહીં દેશનાં જુદા-જુદા રાજયોમાં વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી પ્રવાસીઓને મળી રહેશે. આ એકતા મોલનો મુખ્ય ઉદ્દેશ દેશ-વિદેશનાં પ્રવાસીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે ત્યારે તેઓને દેશમાં મળતી તમામ હેન્ડલુમ અને હેન્ડીક્રાફટની વિવિધ વખણાતી ચીજવસ્તુઓ એક જ સ્થળ પરથી મળી રહેશે. આજે વિધિવત દેશનાં વડા પ્રધાનનાં હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું.
તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે આરોગ્ય વનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ બાદ આરોગ્ય વનની મુલાકાત લીધી હતી. આરોગ્ય વનનાં ભારતનાં યોગ, આયુર્વેદ અને ધ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આરોગ્ય વનમાં 380 પ્રજાતિનાં જુદા-જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આરોગ્ય વન વેલનેસ સેન્ટરમાં કેરાલાનાં ડોકટર અને નિષ્ણાંતો દ્વારા જુદી-જુદી નેચર થેરાપીનો પ્રવીસીઓને લાભ આપવામાં આવશે. તેવી વ્યવસ્થાની ગોઠવણ કેવડીયા ખાતે કરાઇ છે.
અહીં નોંધનીય છે કે દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાનાં છે, આ તબક્કે આગામી સમયનાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર હોય કેવડીયાનાં પ્રકલ્પોનું લોકાર્પણ અને રાત્રિ રોકાણ પણ એક ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હોય તો નવાઈ નહીં ?