લોકડાઉનનાં દિવસોથી કોર્ટ કામગીરી સદંતર બંધ હાલતમાં છે જેના કારણે માત્ર કોર્ટ પ્રેક્ટિસ કરતાં વકીલો અને જુનીયરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકડાઉનનાં સમયથી આજ સુધી કોર્ટની કામગીરી બંધ રાખવામા આવતા વકીલોની આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે, મોટા ભાગનાં વકીલો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઇ છે કે કોર્ટ કામગીરી પણ કોરોનાનાં નિયમોનાં આધારે શરૂ કરવી જોઈએ. તેવું કોર્ટ પ્રેકટીસનરોનાં લોકમુખે હાલ ચર્ચાઇ રહ્યું છે.
માર્ચ મહિનાથી સતત છેલ્લા 8 મહિનાથી કોર્ટ સદંતર બંધ રહેતા વકીલો અને જુનિયરોમાં ભારે નારાજગી જોવા મળી છે. હાલના સમયમાં કોર્ટનાં કાર્યો સદંતર બંધ થવાથી કોર્ટ કાર્યવાહી પર પોતાનું જીવન ગુજરાન ચલાવતા વકીલોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વકીલોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે. સરકાર સમક્ષ વકીલોની માંગણી છે કે ગુજરાત રાજય બાર કાઉન્સિલ દ્વારા જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડની રકમ ચૂકવવી જોઈએ. હાલ કોરોના મહામૃ બાદ અનેક જુનિયર વકીલો બેકાર બન્યા છે તેઓને અન્ય કોઈપણ રોજગારીનું સાધન ન હોય માત્ર તેમનું ગુજરાન કોર્ટ કાર્યવાહીને આધીન ચાલતું હોય જેના કારણે હાલ આવા જુનિયર વકીલોની આર્થિક પરિસ્થિતી અત્યંત ખરાબ છે તેવું કોર્ટ કામગીરી સાથે સંકળાયેલા જુનિયર વકીલોના મુખે ચર્ચાઇ રહ્યું છે. લોકડાઉન બાદ સરકાર દ્વારા શાકભાજી, અનાજ, દૂધ અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓમાં ભાવ વધારો ઝીંકવામાં આવતા નિયમિત બે ટાઈમનું ભોજન મેળવવું પણ કપરું બને છે. કોર્ટ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ખુલ્લી મૂકવામાં આવે તેવી કોર્ટ પ્રેકટિસ કરતાં વકીલોની માંગણી છે. અહીં નોંધનીય છે કે ગુજરાતનાં પાડોશી રાજય રાજસ્થાનમાં 2 નવેમ્બરથી કોર્ટ કામગીરી શરૂ થઈ રહી છે ત્યારબાદ ગુજરાતમાં પણ કોર્ટ કામગીરી શરૂ થવી જોઈએ તેવું ગુજરાત બાર કાઉન્સિલની વિવિધ કોર્ટનાં વકીલોનું કહેવું છે.