ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ખાતે આવેલ ગણેશ શુગરના વર્તમાન વહીવટદારો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરીને ખેડૂત સભાસદો દ્વારા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિ દ્વારા સુગરના કથિત ભ્રષ્ટાચાર સામે જિલ્લા રજીસ્ટારથી લઈને ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી હતી. ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના પુષ્પેન્દ્ર સિંહ ઇન્દ્રસિંહ સુણવાએ હાઇકોર્ટમાં કલમ ૮૬ મુજબ તપાસની માંગ કરતી સ્પેશિયલ સીવીલ એપ્લિકેશન નં. ૧૫૫૫૭/૨૦૧૯ મુજબ હાઇકોર્ટ દ્વારા સંઘર્ષ સમિતિની માંગ ગ્રાહ્ય રાખીને ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા ચોક્સી અધિકારીની નિમણૂક કરીને કલમ ૮૬ મુજબ તપાસ કરાવવામાં આવી હતી. જેનો અહેવાલ ચોકસી અધિકારી દ્વારા ખાંડ નિયામક ગાંધીનગરને સુપ્રત કરવામાં આવ્યો હતો. ચોકસી અધિકારીએ કલમ ૮૬ મુજબની તપાસમાં ૧૨ થી વધુ મુદ્દાઓમાં સહકારી કાયદાની કલમ ૭૬ બી, એક મુદ્દામાં સહકારી કાયદાની કલમ ૭૧ અને ૯ મુદ્દામાં સહકારી કાયદાની કલમ ૯૩ મુજબ સહકારી સુગરના સંચાલકોને જવાબદાર ઠેરવ્યા હતા. ગણેશ સુગરના વર્તમાન સંચાલકો દ્વારા ખાંડ નિયામક દ્વારા કરવામાં આવેલ કલમ ૮૬ ની તપાસના વિરુદ્ધમાં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન કરી હતી અને કલમ ૮૬ મુજબની જે તપાસ થઇ છે તેને રદ કરવા હાઇકોર્ટમાં અરજ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગણેશ સુગરના વર્તમાન સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં કલમ ૮૬ મુજબની તપાસના વિરોધમાં જે અરજી કરવામાં આવી હતી તે અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા ગણેશ સુગરના વર્તમાન સંચાલકોની સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન (અર્જન્ટ પીઆઈએલ) ફગાવી દેવામાં આવતા ગણેશ સુગરના સંચાલકોમાં ફફડાટ જોવા મળે છે. હાઇકોર્ટ દ્વારા અર્જન્ટ પીઆઈએલ ( સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન) ફગાવી દેવાયા બાદ હવે ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા ગણેશ સુગરના સંચાલકો દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર સામે શું અને કેવા પગલાં ભરાય છે તે જોવુ રહ્યુ !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ