ભરૂચની જીલ્લા શિક્ષણ કચેરી ખાતે કોવિડ-19 ની પરિસ્થિતી અંતર્ગત શાળાઓ શરૂ કરવા માટેનાં સૂચનો અંગે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે માર્ચ મહિનાથી માધ્યમિક શાળાઓ બંધ છે. શાળાઓમાં અભ્યાસની કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે આથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકોને આ ઓનલાઈન અભ્યાસ અંગે સૂચનો રજૂ કરવા માટે એક વેબીનારનું આયોજન કરાયું હતું. આ વેબીનારની વિગતો ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાએ આપી હતી.
ભરૂચમાં ગઇકાલે યોજાયેલ આ વેબીનારની વિગતો આપતા જણાવ્યુ હતું કે ભરૂચમાં માધ્યમિક શાળાઓ લોકડાઉનનાં સમય દરમ્યાનથી બંધ છે હાલ જે શૈક્ષણિક કામગીરી ચાલી રહી છે તે ઓનલાઈન વર્ચ્યુઅલ કામગીરી ચાલી રહી છે જેના અનુસંધાને જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગઇકાલે શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓને સાથે રાખીને આગામી સમયમાં શૈક્ષણિક કાર્યો કેવી રીતે શરૂ કરવું તેના સૂચનો મેળવવા માટે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. કુલ 97 જેટલા લોકો આ વેબીનારમાં જોડાઈ આગામી સમયમાં કોવિડ-19 ની સાથે કેવી રીતે શૈક્ષણિક કાર્યને આગળ ધપાવવું જોઈએ તેના સૂચનો અહીં આપવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા બહોળા પ્રમાણમાં એવો સૂર વ્યકત થયો હતો કે કોરોના મહામારી બાદ ઘણા લાંબા સમયથી શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલી રહ્યું છે. આગામી સમયમાં દિવાળીનાં તહેવારો બાદ લાભપાંચમથી માધ્યમિક શાળાઓ કોરોનાની ગાઈડલાઇન અનુસાર શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક કાર્યમાં વધુ પડતી મહેનત અને ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં પડતી અગવડતાઓ દૂર થઈ શકે છે. આ વેબીનારમાં વાલીઓએ એવો સૂર વ્યકત કર્યો હતો કે આગામી સમયમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય નિયમિત રીતે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે શરૂ થવું જોઈએ. તેમજ સંક્રમણ ન થયા તેવી તકેદારી રાખીને જો માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.
આ તમામ કામગીરી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ભરૂચ શાળા સંચાલક મંડળ, માધ્યમિક શિક્ષણ સંધ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંધ, વહીવટી કર્મચારીઓનો સંધ, ખાનગી શાળાઓનો સંધ, વાલીઓ, સરકારી શાળાઓના આચાર્યો, ડાયટ પ્રાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા આ વેબીનારમાં ઉપસ્થિત તમામ લોકોએ દિવાળીનાં તહેવારો બાદ કોરોના સાથે આપણે જીવન નિર્વાહ કરતાં શીખી ગયા છે તેમજ શૈક્ષણિક કાર્યોનો પ્રારંભ પણ કરવો જરૂરી છે તેવા સૂચનો આપ્યા હતા. આ તમામ સૂચનો આગામી સમયમાં ભરૂચ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે. ત્યારબાદ જ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેનું યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે.