જિલ્લામાં કોવિડ કટોકટી દરમિયાન રક્તનો આવશ્યક જથ્થો જળવાઈ રહે તે માટે રેડક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૧૩ થી વધુ શિક્ષકોએ રક્તદાન કર્યુ હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જય જલારામ શાળા, ગોધરા, અંબાલી છાત્રાલય અને કાંકણપુર હાઈસ્કૂલ એમ કુલ ત્રણ સ્થળોએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેનાર શિક્ષકો અને સાથીઓ દ્વારા કોવિડ સામેના બચાવના પગલાઓ અંગે જાગરૂકતા ફેલાવવાના શપથ પણ લીધા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ સાથે જય જલારામ શાળા, ગોધરા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પની મુલાકાત લઈ શિક્ષકોને ઉમદા પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્સાહવર્ધન કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ કોરોના શપથ લેવડાવતા જણાવ્યું હતું કે કોવિડ-૧૯ ની રસી ન શોધાય ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના બચાવના પગલાઓ જ આપણું રક્ષા કવચ હોવાથી તેનું ચુસ્ત પાલન કરવું અતિ આવશ્યક છે. સમાજના વિવિધ સ્તરોમાં આ અંગેનો સંદેશ અસરકારક રીતે મોકલવામાં શિક્ષકોની ભૂમિકા ચાવીરૂપ બની શકે તેમ જણાવતા તેમને આ દિશામાં વધુ સક્રિય થવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અંબાલી અને કાંકણપુર ખાતેના રક્તદાન કેન્દ્રોની મુલાકાત દરમિયાન જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સામૂહિક પ્રયાસોના પરિણામે રક્તદાનના વધેલા પ્રમાણ વિશે વાત કરતા તેમાં શિક્ષકોના પ્રદાનને વખાણ્યું હતું.
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પગલાઓના કડક પાલન પર ભાર મૂકતા શ્રી શાહે જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈ હજી બાકી છે ત્યારે આ લડાઈ કોવિડ-૧૯ સામેના બચાવના પગલાઓનું સામૂહિક રીતે કડક પાલન કરવાથી જ જીતી શકાશે. તેમણે જિલ્લાવાસીઓને રક્તદાનના મહાયજ્ઞમાં પ્રદાન આપી અવિરતપણે ચાલુ રાખવા અપીલ કરી હતી. બપોર સુધીમાં જય જલારામ શાળા ખાતે ૧૦૮ યુનિટ, અંબાલી ખાતે ૧૦૧ યુનિટ અને કાંકણપુર ખાતે ૧૦૪ યુનિટ રક્ત મેળવાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રક્તદાન કરનારા દાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.પંચાલ, રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેનશ્રી કે.ટી.પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી