– દિવાળીનાં તહેવારનાં સમયે ગરીબોને કસ્તુરી રડાવશે.
– દેશના મોટા હોલસેલ બજારોમાં ડુંગળીનાં ભાવમાં થયો નોંધપાત્ર વધારો.
– કમોસમી વરસાદનાં કારણે ડુંગળીનાં પાકને થયું મોટું નુકસાન.
– દેશની સૌથી મોટી હોલસેલ માર્કેટ મહારાષ્ટ્રમાં ડુંગળીનાં ભાવ આસમાને જતાં વેપારીઓમાં ચિંતા વધી.
આ વર્ષે દેશમાં જુદા-જુદા રાજયોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વરસાદનાં કારણે મોટા ભાગનાં પાકને નુકસાન થયું છે. આ નુકસાનને કારણે દેશનાં સૌથી મોટા હોલસેલ ભાવનાં ડુંગળી બજારોમાં ડુંગળી મોંધી થશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. આગામી સમયમાં ગરીબોની કસ્તુરી રડાવશે તેવા એંધાણ મળી રહ્યા છે. હોલસેલ ભાવનાં વેપારીઓનાં જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ડુંગળીનાં પાકને ભારે નુકસાન થયું છે. આથી આગામી દિવાળી સુધીનાં સમયમાં ડુંગળીનાં રૂ.100 થઈ જાય તો નવાઈ નહીં.
હાલ ડુંગળીનાં રિટેલ ભાવ રૂ.60 થી 80 લેવામાં આવે છે અને હોલસેલમાં ડુંગળીનાં ભાવ રૂ.40 થી 50 લેવામાં આવે છે. આ ભાવમાં આગામી સમયમાં વધારો થવાની શકયતા વેપારીઓ જણાવી રહ્યા છે. આ વર્ષે ભારે વરસાદનાં કારણે ડુંગળીનાં પાકમાં મોટુ નુકશાન થયુ છે જેના કારણે દેશનાં ડુંગળીનાં મોટાં બજાર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં ડુંગળીનાં ભાવ વધ્યા છે. ઉપરાંત આ રાજ્યોમાં ડુંગળીનું ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતરમાં પણ મોટી નુકસાની થઈ છે, આથી ડુંગળીનો પાક ભારે વરસાદનાં કારણે નિષ્ફળ ગયો છે. જેનાથી ખેડૂતોને પણ ડુંગળીનાં પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે આગામી સમયમાં ડુંગળીનાં ભાવમાં જબરો વધારો થવાની શકયતા છે.
ડુંગળીનો આગામી પાક ફેબ્રુઆરીમાં આવશે ત્યાં સુધીમાં ડુંગળીનાં ભાવમાં ઘટાડો થવાની કોઈ શકયતા નથી પરંતુ ભાવમાં વધારો થશે તેવું વેપારીઓ જણાવે છે અને ડુંગળીનાં ભાવ આસમાને પહોંચશે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં લાલંગાવમાં ડુંગળીની હાલ બજારોમાં ભાવ ઊંચકાતાં કિલો દીઠ રૂ.50 થી 60 લેવામાં આવે છે અને ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.6802 રહ્યો છે. આ ડુંગળીનો સીઝનનો સૌથી ઊંચો ભાવ માનવમાં આવે છે. હાલની આ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વેપારીઓ જણાવે છે કે આગામી દિવાળી સુધીનાં સમયમાં ડુંગળીનાં રિટેલમાં ભાવ રૂ.100 થી 110 સુધીના લેવામાં આવશે.
અહીં નોંધનીય છે કે આ વર્ષે નવરાત્રિની શરૂઆતમાં બટાકાના ભાવ અત્યારથી જ આસમાને પહોંચ્યા છે. નવરાત્રિનાં પ્રથમ નોરતાથી બટાકાનાં ભાવ રિટેલ ભાવ રૂ.60 થઈ ગયા છે તો આગામી સમયમાં ડુંગળીનાં ભાવમાં પણ વધારો થવાની ભીંતિ વેપારીઓ જણાવી રહ્યા છે. ડુંગળી-બટાકાનાં ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનાં બજેટ ખોરવાશે, લોકડાઉનનાં સમયગાળા બાદ લોકો મોંધવારીથી પીડાઈ રહ્યા છે ત્યારે જો આગામી સમયમાં ડુંગળી-બટાકાનાં ભાવમાં વધારો થાય તો ગૃહિણીઓનાં શાકભાજીનાં ખરીદીમાં બજેટ ખોવાશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.