– નર્મદા કેવડીયા વિસ્તારનાં 15 થી 20 ગામનાં ખેડૂતો રહ્યા સિંચાઇનાં પાણી વિહોણા.
– કોઇપણ જાતની નોટિસ જે જાણ વગર આ વિસ્તારનાં ખેડૂતોને મળતું પાણી કેમ કર્યું બંધ ?
– સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતની તરફેણમાં લખ્યો કલેકટરને પત્ર.
નર્મદા જિલ્લાનાં કેવડીયા વિસ્તારનાં 15 થી 20 ગામનાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા સાંસદ મનસુખ વસાવાએ કલેકટર સમક્ષ લેખિત પત્ર પાઠવી આ વિસ્તારનાં ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડવા રજુઆત કરી છે.
આ લેખિત પત્રમાં સાંસદ મનસુખ વસાવાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર કેવડીયા વિસ્તારનાં આસપાસનાં 15 થી 20 ગામનાં ખેડૂતોએ મને રૂબરૂ મળીને તેઓની સમસ્યા વિશે જાણકારી આપી હતી આથી હું આપને નર્મદા વિસ્તારનાં કલેકટરને આ વિસ્તારનાં ખેડૂતોની સિંચાઇનાં પાણીની જાણકારી આપવાનો પ્રયત્ન કરું છું. ચાલુ વર્ષે 10 થી 12 દિવસ સુધી નર્મદા નહેરનું પાણી કેવડીયા વિસ્તારનાં 15 થી 20 ગામનાં ખેડૂતોને આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઈપણ જાતની જાણકારી કે નોટિસ પાઠવ્યા વગર ખેડૂતોને મળતું સિંચાઇનું પાણી બંધ કરી દેવાંમાં આવ્યું છે. જેના કારણે આ વિસ્તારનાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાઇ ગયા છે. કેવડિયાની આજુબાજુનાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા તેઓના પાક સુકાઈ રહ્યા છે. આ વિસ્તારનાં ખેડૂતો સાથે દર વર્ષે સિંચાઇનું પાણી આપવામાં વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવે છે. તે યોગ્ય નથી તેથી જવાબદાર ઈજનેરનું ધ્યાન દોરી તુરંત જ અહીં સિંચાઇનું પાણી છોડવામાં આવે તે માટે યોગ્ય ઘટતું કરવા મારી માંગણી છે.
અત્રે નોંધનીય છે કે ખેડૂતો સાથે આ પ્રકારનો અન્યાય અનેક વખત કરવામાં આવે છે તેવું સાંસદે લખેલા કલેકટરને લેખિત પત્રમાં ઉલ્લેખ થયો છે. તો આ વિસ્તારનાં ખેડૂતોએ કરેલ ન્યાયની માંગણી કયારે સંતોષાશે ? ગુજરાતમાં અનેક રીતે ખેડૂતો સિંચાઈના પાણીની રાહ જોતાં હોય છે કેવડીયા વિસ્તારનાં 15 થી 20 ગામોના ખેડૂતો સાથે કોઈપણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર શા માટે સિંચાઇ પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો ? તેવા સવાલો સાંસદે કલેકટરને પાઠવેલા પત્ર દ્વારા કર્યા છે. આખરે કયાં સુધી ધરતીપુત્રોએ સિંચાઇનાં પાણી માટે પણ વલખાં મારવા પડશે તેઓના પાકનો સમય હોય, મોસમ નજીક હોય તેઓને તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તો તેમની આગળની કાર્યવાહી થઈ શકશે.