– આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થતાં ભરૂચનાં ભકતોએ શ્રદ્ધાપૂર્વક કર્યા માં અંબેનાં દર્શન.
– મંદિર પરિસરમાં કોવિડ-19 ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન.
– શારદીય નવરાત્રિનાં પ્રથમ દિને માઈ ભક્તો અંબાજી મંદિરે ઉમટી પડયા.
કોરોના મહામારીનાં કારણે નવરાત્રિ મહોત્સવ પણ સાદાઈથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે ભરૂચ દાંડિયાબજાર ખાતે આવેલા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે શારદીય નવરાત્રિનાં પ્રારંભે ભક્તોએ ભારે ભીડ જમાવી હતી. ભરૂચના પ્રખ્યાત અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો માં અંબેનાં દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિર સંચાલકો દ્વારા કોવિડ-19 ની ગાઇડલાઇન અનુસાર ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર સહિતનાં ચુસ્ત બંદોબસ્ત સાથે માઈ ભક્તોએ દર્શન કર્યા હતા.
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ નવરાત્રનાં પ્રથમ નોરતાંની પ્રથમ આરતીએ ભરૂચનાં ભક્તો મોટી સંખ્યામાં શક્તિપીઠ એવા અંબાજી મંદિર ખાતે ઉમટી પડયા હતા. જોકે કોરોના ગાઈડલાઇન મુજબ મંદિર ખાતે ભકતો માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે હેતુથી શક્તિપીઠનાં સંચાલકો દ્વારા વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી. એકબીજા વચ્ચે પૂરતું અંતર રાખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. માસ્ક ધારણ કર્યું હોવા છતાં ભક્તોએ ખૂબ મોટા અવાજથી માતાજીનાં જય જયકાર બોલાવ્યા હતા એક સમયે એવું લાગતું હતું કે આવા જયધોષથી કોરોના મહામારી દૂર થઈ જશે. આરતીનાં સમયે મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આજથી શરૂ થતાં નવરાત્રિનાં પાવન પર્વે પ્રથમ નોરતે ભક્તોએ માં અંબેનાં દર્શન કરવા કતારો લગાવી હતી.
ભરૂચના અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ બહોળા પ્રમાણમાં ભાવિક ભક્તો દર્શન અર્થે આવતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે અંબાજી મંદિરનાં સંચાલકો દ્વારા ભક્તોની ભીડ જમા ન થાય અને તમામ ભક્તો માતાની આરાધનામાં જોડાઈ તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. આજે નવરાત્રિનાં પ્રથમ દિને જ ભરૂચ અને આસપાસના વિસ્તારોના ભક્તો માં અંબેનાં દર્શન કરવા પહોંચ્યા હતા.