માંગરોળ તાલુકાનાં પાતલદેવી ગામે મુખ્ય માર્ગ પર આવેલી સ્ટોન ક્વોરીની ઊંડી ખાણમાં મનુષ્ય અને પશુ પડી જવાથી મૃત્યુ થવાના અનેક બનાવો બની રહ્યા છે છતાં જવાબદારો વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે સાથે જોખમી ઉંડી સ્ટોન ક્વોરીની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
પાતલદેવી ગામના મુખ્ય માર્ગથી ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલી સ્ટોન ક્વોરીની ઊંડી ખાણમાં બે દિવસ પહેલા વેરાવી ગામનો એક યુવક નિલેશ કાંતુભાઈ ચૌધરી ઉંમર વર્ષ 42 પડી જતા તેનું કરૂણ મોત નિપજયું હતું તેમજ અગાઉના વર્ષે એક અઢાર વર્ષીય યુવતીનો પગ લપસી જતાં યુવતી પણ મોતને ભેટી હતી મુખ્ય માર્ગની એકદમ સાથે આ સ્ટોન ક્વોરીની ઊંડી ખાણ આવેલી છે જે સરકારના નીતિ નિયમોની તદ્દન વિરુદ્ધ છે છતાં સરકારી તંત્ર અને વનવિભાગ બંને દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ જોખમી ક્વોરીમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તેમજ નિર્દોષ પશુઓ પણ ઊંડી ખાણમાં પડી જવાથી મોતને ભેટવાના અનેક બનાવો બન્યા છે આવી ઘટનામાં કોઈપણ જાતનું વળતર અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના પરિવારને મળ્યું નથી તેમજ પશુપાલકને મળ્યું નથી ત્યારે મનુષ્ય અને નિર્દોષ પશુઓના મોતના બનાવો અટકે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવે એવી વિસ્તારમાં પ્રજાજનોની માંગ છે.
માંગરોળના માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરીએ આ સંદર્ભમાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી સ્ટોન ક્વોરીની ઊંડી ખાણ આ વિસ્તારના લોકો માટે જોખમી બની છે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે વન વિભાગના કાર્યક્ષેત્રમાં માર્ગની જગ્યા આવતી હોય તો વનવિભાગે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેમજ સ્ટોન કવોરીના જવાબદાર માલિક દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે તે જરૂરી છે આ સંદર્ભમાં બંને તરફથી કોઇ કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો સાથે ન્યાય માંટે લડત કરીશું.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.