ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નાયબ કલેકટરની સરકારી ગાડી સુમોના ચાલકે વાહનને રોંગ સાઇડ ઉપર હંકારી સામેથી આવતી એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ બાઈક સવાર પુત્ર તેના પિતા પોલીસ કોન્સ્ટેબલને લઈને ઝઘડિયા તરફ આવતો હતો ત્યારે રાજપારડીના ખડોલી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલના પગે ફેક્ચર થયું હતું અને તેના પુત્રને શરીર ઉપર નાની મોટી ઈજાઓ પહોંચી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ ચંદુભાઇ તડવીની તબિયત અચાનક બગડતા તેમનો પુત્ર તેમને રાજપારડીથી બાઈક ઉપર લઈને અંકલેશ્વર સારવાર માટે લઇ જવા નીકળ્યો હતો. તે દરમિયાન ઝઘડિયા નાયબ કલેકટર પોતાના સરકારી વાહનમાં જઇ રહ્યા હતા. આ સુમો ગાડીના ચાલકે તેને રોંગ સાઇડ ઉપર હંકારી જતા અને યુ ટર્ન લઇ લેતા ખડોલી ગામ નજીક સામેથી આવતી બાઈકને જોરદાર ટક્કર વાગી હતી. બાઈક સવાર વિરાજ તડવી તેમજ પાછળ બેઠેલા તેના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ તડવીને અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. નાયબ કલેકટર દ્વારા ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને તેમના સુમો વાહનમાં બેસાડી અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અર્થે લઇ ગયા હતા. બાઈક સવાર વિરાજ તડવીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઈક ઉપર પાછળ બેઠેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ તડવીને પગ તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં પ્રવિણ તડવીને ડાબા પગના ભાગે ફેક્ચર થયું હતું બનાવ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ ના પુત્ર વિરાજ પ્રવિણભાઈ તડવીએ ઝઘડિયા નાયબ કલેકટરની સરકારી ગાડી સુમોના ચાલક સામે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે બાબતે રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ