ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગ અને નાયબ કલેકટર ઝઘડિયા દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જુની તરસાલી ગામે ગેરકાયદે રીતે રખાયેલો રેતીનો જથ્થો ઝડપાયો હતો. કોઈપણ જવાબદાર વિભાગની પરવાનગી લીધા વગર કરાયેલો હજારો ટન રેતીનો જથ્થો તંત્રે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુની તરસાલી ગામની સીમમાં દર વર્ષે કેટલાક રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી સ્ટોક કરવામાં આવે છે અને દર વર્ષે જવાબદાર તંત્ર દ્વારા તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં રેતી માફિયાઓ સરકારી તંત્રને નજર અંદાજ કરી ગેરકાયદેસર કૃત્ય કરવાનું બંધ કરતા નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરી જુની તરસાલી ગામે ગેરકાયદેસર રીતે રેતી સ્ટોક કરી હોવાની માહિતી મળતા ભરૂચ ખાણ ખનીજ વિભાગના કેયુર રાજપુરા તથા ઝઘડિયાના નાયબ કલેકટર પી.એલ વિઠાની દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાણ ખનીજ અને નાયબ કલેકટરના સંયુક્ત ઓપરેશનમાં જુની તરસાલી ગામની સીમમાં ઠેરઠેર રેતીના ઢગલા ખડકાયેલા જણાયા હતા. તપાસ દરમિયાન જણાયુ હતું કે જુની તરસાલી ગામની સીમમાં કરાયેલો રેતીનો જથ્થો ગેરકાયદેસર છે. જેમાં કોઈ પણ જાતની જવાબદાર વિભાગની પરવાનગી લેવામાં આવી નથી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલા રેતીના સ્ટોકના સેંકડો ટન જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ આજે જુની તરસાલી ગામે ગેરકાયદેસર કરાયેલા રેતીના જથ્થાની માપણી કરવામાં આવી હતી. ઉપરાંત કોણા દ્વારા રેતી સ્ટોક કરવામાં આવ્યો છે તથા કોની જમીન ઉપર સ્ટોક કરવામાં આવ્યો છે તેનો સર્વે કરવામાં આવી રહ્યુ છે. મળતી વિગતો મુજબ લાખોની કિંમતનો જથ્થો હાલ ખાણ ખનીજ ખાતાએ સીઝ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જે જમીન ઉપર ગેરકાયદેસર કરાયેલા સ્ટોકના દંડની કિંમત જે તે જમીન માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આને પગલે રેત માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ