ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રહેતા ધનેશભાઈ કાશીભાઈ પટેલના ખેતરમાં સિંચાઇના સાધનોની ચોરી થવા પામી છે. આ ખેડૂતનું ખેતર ઢબરીયા વગામાં આવેલું છે. તે ખેતરમાં તેમણે પાકની સિંચાઇ માટે ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ ફીટ કરાવેલ છે. ગઇકાલે તેઓ તેમના ખેતરે આંટો મારવા ગયા હતા. તેમણે ખેતરના સેઢા ઉપર બનાવેલ બોરવેલ સાથે પાણીની સિંચાઈ માટે ડ્રીપ ઈરીગેશન યુનિટ ફિટ કરેલ હતું. ખેતરમાં જતા ડ્રીપ ઈરીગેશન યુનિટ, ડિલિવરી પાઈપો તથા વાલ્વ તેની જગ્યાએ દેખાયુ નહીં. તેમણે તેમના ખેતરની આજુબાજુમાં તેમના સિંચાઈના સાધનોની તપાસ કરી હતી. પરંતુ તે નહીં મળી આવતા તેમને તેમના સિંચાઇના સાધનોની ચોરી થયાનું જણાયું હતું. જેથી ધનેશભાઈ કાંતિભાઇ પટેલે રાજપારડી પોલીસ મથકમાં તેમના રૂ. ૮૦૦૦ ના ડ્રિપ ઇરીગેશનના સાધનોની ચોરી થયાની ફરિયાદ લખાવી હતી. ઝઘડીયા તાલુકામાં અવારનવાર થતી સીમચોરીથી ખેડૂતોને નુકશાન તો થાય છે જ ઉપરાંત પાણી વિના પાક સુકાતા આ બેવડુ નુકશાન વેઠવાનો વારો આવે છે. સીમચોરી અટકાવવા તંત્ર તાકીદે કડક પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ