ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે રહેતા જયંતીભાઈ ઇશ્વરભાઇ માછી રાજપારડી ગામે ઝઘડીયા રોડ પર આવેલી શિવશક્તિ નામની હોટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાતના બે વાગ્યાના અરસામાં અવિધા ખાતે રહેતો હિતેશ બાલુભાઈ પટેલ નામનો ઇસમ તેની ફોરવ્હીલ ગાડી લઈને હોટલ પર આવેલ અને ગાડીમાંથી હાથમાં ડંડો લઈ નીચે ઉતરી સિક્યુરિટી જયંતીભાઈને કહેતો હતો કે ચાર મહિના પહેલા મે તારી પાસે પાણી માંગ્યું હતું તે કેમ આપ્યુ ન હતુ ? તેમ કહી મા
બેન સમાની ગાળો બોલવા લાગ્યો હતો. તેથી જયંતીભાઈએ ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇને તેના હાથમાંના લાકડાંનાં ડંડા વડે માર મારવા લાગ્યો હતો. જેથી જયંતીભાઈ મારમાંથી બચવા નાસી ગયા હતા. હિતેશે તેમની પાછળ આવી તેમને પકડીને ફરી હોટલના કમ્પાઉન્ડમાં લાવ્યો હતો અને લાકડાંનાં ડંડા વડે માર માર્યો હતો. બાદમાં જતાં જતાં હિતેશે ધમકી આપી હતી કે તારા શેઠને કે પોલીસને જાણ કરીશ તો તારું માથું ફોડી નાખીશ અને જાનથી મારી નાંખીશ એમ કહીને ગાડી લઇને ત્યાંથી જતો રહ્યો હતો. હિતેશે કરેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડ જયંતીભાઈને બંને પગના ભાગે, હાથના ભાગે ખભાના ભાગે દુખાવો થતો હોય તેઓને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા. આ અંગે જયંતીભાઈ ઇશ્વરભાઇ માછી રહે.ગામ સારસા તા.ઝઘડીયાએ હિતેશ બાલુભાઈ પટેલ રહે. અવિધા તા.ઝઘડીયા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. દરમિયાન આજે જયંતીભાઇના પુત્ર સંજયના જણાવ્યા મુજબ તેઓને છાતીમાં તકલીફ જેવુ લાગતા તેઓને ભરૂચ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ