ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર જિલ્લાનું મહત્વનું વેપારી મથક છે. આ નગર ઝઘડીયા તાલુકાના અસંખ્ય ગામો સાથે ધંધાકીય સંબંધોથી સંકળાયેલું છે. આસપાસના ગામોની જનતા જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે રાજપારડી આવતી હોય છે. રાજપારડી નગરમાં વિવિધ ધંધાઓથી ધબકતા બજારો, પોલીસ સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેલ્વે સ્ટેશન, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી સવલતો ઉપલબ્ધ છે. ઉપરાંત પાછલા દસેક વર્ષો દરમિયાન નગરનો મોટો વિકાસ થયો છે. તેને લઇને રાજપારડી નગરે ભરૂચ જિલ્લાના એક અગ્રણ્ય વેપારી મથક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. નગરના ચાર રસ્તા નગરને ભરૂચ,અંકલેશ્વર, રાજપીપલા અને નેત્રંગ જેવા મહત્વના મથકો સાથે જોડે છે. ત્યારે આ બાબતો નગરનું તાલુકા મથકમાં રૂપાંતર કરવા યોગ્ય છે. જો રાજપારડીને તાલુકા મથક બનાવાય તો નગરનો બાકી રહેલો સર્વાંગી વિકાસ ઝડપી બની શકે. ઝઘડીયા તાલુકાનું વિભાજન કરીને રાજપારડીને તાલુકો બનાવી શકાય તેમ છે. આમ થાય તો ઝઘડીયા તાલુકાનો કાર્યભાર હળવો થતાં વહિવટી દ્રષ્ટિએ પણ સુગમતા મળે તેમ છે. તેથી ઝઘડીયા તાલુકાનું વિભાજન કરીને રાજપારડીને તાલુકો બનાવવા અસરકારક આયોજનો કરાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ