ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમણના કેસ દિવસે દિવસે વધી રહ્યા હોવાથી ચિંતા જણાય છે. ગઇકાલે મોડી સાંજે તથા આજે નવા છ કોરોના પોઝિટિવ કેસ આવતા તાલુકામાં કોરોના સંક્રમણનો આંક વધી રહ્યો હોવાનું જણાય છે. તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૧ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં નવ જેટલા કોરોના દર્દીના મોત થયા છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકામાં બે દિવસ દરમિયાન છ જેટલા નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોના પોઝીટીવ આવેલા દર્દી બાલુભાઈ પટેલ રહે. ઉચેડીયાનુ મોત થયુ છે. જયારે ગઇકાલે પોઝિટિવ આવેલા કેસોમાં અંકુરભાઇ મેનેજર સ્ટેટ બેંક ઝઘડિયા, ઇલાક્ષી દિલીપભાઈ પરમાર ઉ.વ ૨૭ રહે.ઝઘડિયા, ભાવના પટેલ રહે. રાજપારડી તથા આજે પોઝિટિવ આવેલા ગણેશ કાનજીભાઈ વસાવા ઉ.વ ૫૭ રહે. ગુમાનદેવ અને મુકેશભાઈ રમણભાઈ પટેલ, રહે. રાણીપુરાનો સમાવેશ થાય છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે વધી રહ્યો છે, જે હાલમાં ૧૦૧ જેટલો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીઓના પરીવારોનો સર્વે કરી તમામ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા સ્ટેટ બેંકના મેનેજરને કોરોના પોઝિટિવ કેસ આવવાના પગલે બેંકનુ કામકાજ બંધ રખાયુ હતુ. મળતી વિગતો મુજબ બેંક સોમવારથી રાબેતા મુજબ કાર્યરત થશે.તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા ઝઘડિયા તાલુકામાં કોરોનાનુ સંક્રમણ ઝડપભેર વધી રહેલું જણાય છે. જેને લઇને ચિંતા ફેલાવા પામી છે. ઝઘડિયા તાલુકામાં બહારગામથી આવતા લોકોથી સંક્રમણ ફેલાતુ હોવાની ચર્ચા જાણવા મળી છે. વિવિધ કચેરીઓ તથા જીઆઇડીસીમાં આવતા જતા લોકોના કારણે સ્થાનિક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા હોવાનું મનાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ