પંચમહાલ જિલ્લામાં કોરોના ઝડપી સંક્રમણને રોકવા મોટા પાયે આક્રમકપણે કોવિડ-૧૯ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. ઈન્ચાર્જ કલેક્ટરશ્રી એ.જે.શાહે જિલ્લાવાસીઓને કોરોના સમાન લક્ષણો (માથાનો દુખાવો, શરદી-ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ) હોવાના કિસ્સામાં સાવચેતીના ભાગરૂપે આ કેન્દ્રો પર જઈ ટેસ્ટ કરાવવા આગ્રહ કર્યો છે. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ખાસ કરીને કો-મોર્બિડીટી ધરાવતી કે મોટી ઉંમરના લોકો જેમને કોરોના સંક્રમણ થવાના પગલે કોમ્પલીકેશન્સ થવાની વધુ શક્યતાઓ રહેલી છે, તેમણે લક્ષણો દેખવાના સ્થિતિમાં અચૂકપણે આ કેન્દ્રો પર ટેસ્ટ કરાવવો જોઈએ જેથી સંક્રમિત હોવાના કેસમાં તેમની ઝડપી સારવાર શરૂ કરી શકાય અને સારવારમાં વિલંબથી જીવનું જોખમ ઉભુ ન થાય. તેમજ પરિવાર સહિતના અન્ય લોકોને સંક્રમણનો ભોગ બનતા પણ અટકાવી શકાય. આ ઉપરાંત, અનાજ-કરિયાણાના વેપારી, શાકભાજી-દૂધ વિક્રેતાઓ જેવા રોજિંદા ધોરણે મોટા પાયે લોકોના સંપર્કમાં આવતા લોકોને પણ ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. કોરોના સંક્રમણની ઝડપ ઘટાડવા માટે સંક્રમિતોને શોધી કાઢી તેમને અલગ કરવા આવશ્યક હોવાથી લોકોને ભય વગર આગળ આવવા શ્રી શાહે અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં મોટા પાયે રેપિડ ટેસ્ટિંગની શરૂઆતમાં જિલ્લા કલેક્ટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોતે પ્રથમ ટેસ્ટિંગ કરાવી લોકોના મનમાં ટેસ્ટિંગ બાબતે રહેલી આશંકાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોધરા શહેરમાં વધુ કેસો મળી આવ્યા હતા તેવા પાંચ વોર્ડથી મોટા પાયે ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી હતી, જે બાદ બાકી રહેલા છ વોર્ડ સાથે જિલ્લામાં કુલ ૧૦ સ્થળોએ ટેસ્ટિંગ સેન્ટર્સ તેમજ અર્બન હેલ્થ સેન્ટર્સ, પીએચસી પર એન્ટિજન ટેસ્ટ હાથ ધરાઈ રહ્યા છે. આ ઉપરાંત વધુ ટેસ્ટિંગ કરવાના હોય તેવા સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. રેપિડ એન્ટિજન કીટથી થતા ટેસ્ટિંગમાં નસકોરા વાટે સેમ્પલ લેવામાં આવે છે અને મામૂલી ગલીપચી સિવાય કોઈપણ દર્દ થતું નથી તેમજ ૫-૧૦ મિનીટમાં પરિણામ પણ મળી જાય છે.
જિલ્લામાં શારદામંદિર પ્રાથમિક શાળા (બામરોલી રોડ, ગોધરા), દલુની વાડી પ્રાથમિક શાળા (વિશ્વકર્મા ચોક પાસે, ગોધરા), ઉર્દુ કુમાર શાળા (પોલનબજાર, ગોધરા), ભરોણા આંગણવાડી (હાલોલ), વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા (હાલોલ), કોમ્યુનિટી હોલ (નગરપાલિકા કચેરી, હાલોલ) રાવલ ફળિયા (કાલોલ), કુમાર શાળા (કાલોલ), પાનમ સિંચાઈ કોલોની (શહેરા) અને જુની નગરપાલિકા ઓફિસ (શહેરા) એમ કુલ ૧૦ ટેસ્ટિંગ કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો તેમજ સરકારી દવાખાનાઓ ઉપર સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૦૩.૦૦ કલાક સુધી રેપીડ એન્ટિજન કીટથી ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી