ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની એક સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી એક યુવક દ્વારા ભગાડી જવામાં આવી હતી. સગીરાની ઉંમર પરણવા યોગ્ય ન હોવાથી તેના પરિવારે સગીરાને પાછી સોંપવાની માંગણી કરતા તેને ભગાડી જનાર યુવકના પરિવારે ગાળાગાળી કરી હતી. આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા નજીકના એક ગામમાં ખેત મજૂરી કરતા એક પરિવારની ૧૫ વર્ષની ઉંમરની સગીર દીકરીને ગણેશ ગીરીશ વસાવા નામનો યુવક પટાવી-ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદાથી ભગાડી ગયો હતો. બાદમાં સગીરાની માતાએ ભગાડી જનાર યુવકના માતા પિતાને જણાવ્યું હતું કે તેમની દીકરીની ઉંમર હજી લગ્ન કરવા જેટલી નથી અને તે સગીર વયની છે. તેથી મારી દીકરી મને પાછી આપી દો. આ સાંભળીને સગીરાને ભગાડી જનાર યુવકના પિતા ગિરીશભાઇ તથા માતા અંબાબેને સગીરાની માતાને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાની માતાએ ગણેશ ગીરીશ વસાવા, ગિરીશ વસાવા તેમજ અંબાબેન ગિરીશ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ