ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામની બેંકના લોન ધારક ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેકટર તથા બેંકના રિજીઓનલ મેનેજરને આવેદનપત્ર આપીને લોનના હપ્તા ભરવામાં ૬ થી ૮ મહિનાની છુટ આપવા માંગ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે આવેલ બેંક ઓફ બરોડાની શાખા દ્વારા લોન ધારક ખેડૂતો પૈકીના કેટલાક ખેડૂત લોન ધારકોને શાખા દ્વારા હાલના કોરોના મહામારીના સમયમાં તેમજ નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ પૂર જેવી પરિસ્થિતિમાં પણ આકરી ઉઘરાણી કરાતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેકટર તથા બેંકના રીજીયોનલ મેનેજરને આવેદનપત્ર આપી લોન ધારક ખેડૂતોને છ થી આઠ મહિના સુધીની સવલત આપી સમય વધારવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત વધુમાં મળતી વિગતો અનુસાર સાથે સાથે આ પંથકના પાણેથા, ઇન્દોર, અશા, વેલુગામ, સરકારી ફિચવાડા જેવા ગામોની ગ્રામ પંચાયતો દ્વારા પણ જિલ્લા કલેકટર તથા બેંક સત્તાવાળાઓને લોન ભરવાની સમય મર્યાદા વધારવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. ખેડૂતો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં કોરોના અને રેલની મહામારીના કારણે ખેડૂતો તકલીફમાં છે. ઉપરાંત હાલમાં ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં નર્મદાના પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ખેતીને વ્યાપક નુકશાન થયુ છે. જેથી આવા સમયમાં ખેડૂતોને નવી ખેતી ઉભી કરવા, ઘર ચલાવવા, બાળકોના અભ્યાસ માટેના ખર્ચને પહોંચી વળવા આર્થિકતાની જરૂરીયાત રહે છે. તેથી બેંક દ્વારા હાલના આ વિકટ સમયને જોતા કડક ઉઘરાણી ન કરવામાં આવે અને લોન ભરવાનો સમયગાળો ૬ થી ૮ મહિના વધારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેટલાક સભાસદોના એકાદ બે હપ્તા ભરપાઈ ન થયા હોય તેમના સેવિંગ એકાઉન્ટ લોક કરી દીધા હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે હાલની વિકટ પરિસ્થિતિમાં બેંક દ્વારા લોન ભરવામાં ખેડૂતોને છ થી આઠ મહિનાની સવલત અને સમય આપવામાં આવે તેમ રજુઆત કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ