Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીનાં પૂરનાં કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું.

Share

ભરૂચ ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારાના વિસ્તારો પૂરના કારણે જળબંબાકાર બન્યા હતા. પુરનું પાણી ઉતર્યા બાદ ખેતીના પાકને ભારે નુકસાન થયુ હોવાની વિગતો સામે આવી છે. તાલુકાના રાણીપુરા, ઉચેડીયા, મોટાસાંજા, ગોવાલી, મુલદ, અવિધા, ભાલોદ પંથક સહિતના કાંઠા વિસ્તારોમાં હજારો હેકટર જમીનમાં વાવેતર કરાયેલ કેળનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. પાછલા ઘણા વર્ષોથી તાલુકામાં કેળનો પાક મોટાપાયે લેવાય છે. સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા ઝઘડિયા તાલુકાના નાના વાસણાથી લઇ મુલદ સુધીના નર્મદા કાંઠા વિસ્તારમાં નર્મદાના પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ચારથી વધુ દિવસ પાણી કાંઠા વિસ્તારની સીમોમાં ભરાઈ રહ્યા હતા ત્યારબાદ પાણી ઉતરતા વધુ બે દિવસ લાગ્યા હતા. નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદ કાંઠા વિસ્તારના તમામ નીચાણવાળા ખેતરોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રાણીપુરા, ઉચેડિયા અને મોટાસાંજા વિસ્તારમાં નર્મદા કિનારાની સીમમાં મુખ્યત્વે કેળનો પાક થાય છે. કેળના પાકમાં ખેડૂતોને ખર્ચ પણ ખૂબ જ આવે છે. તેવા સમયમાં કેળનો પાક નીચાણવાળા ખેતરોમાં સંપૂર્ણ નષ્ટ થઈ જતા ખેડૂત આવનારા ત્રણ ચાર વર્ષ સુધી ઉભો થઈ શકે એમ લાગતું નથી. ખેડૂતને કેળના પાકમાં એક છોડ દીઠ ૧૨૫ રૂપિયાનો તો ખર્ચ જ આવે છે. તેની સામે કેળાના દલાલોએ ચાલુ વર્ષે ખેડૂતોને રડાવ્યા છે. બજારમાં કાચા‌ કેળાનો‌ ભાવ ખેડૂતોને પૂરતો મળતો નથી અને પાકા કેળાનો ભાવ આસમાને હોય છે એવી વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે. નર્મદામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતના માથે પડયા પર પાટુ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ગયા વર્ષે પણ નર્મદાના પૂરે ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં ખેતીને મોટુ નુકશાન થયુ હતુ, તેમાથી માંડ બહાર નીકળ્યા તો કોરોનાની મહામારીએ ખેડૂતના તૈયાર પાકના ભાવને ભરડામાં લીધા હતા ત્યારે વધુ એક પૂરના પ્રકોપે ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત આવતા ત્રણ ચાર વર્ષો સુધી સુધરે નહી એવડુ મોટુ નુકશાન કર્યુ છે. ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના કેળ પકવતા ખેડૂતોને પુર બાદ ખેતરો સાફ કરવા માટેની આર્થિક સંકડામણ ઉભી થઇ છે. ચાલુ વર્ષે સારો કેળનો ઉતારો આવશે અને રૂપિયા ૨૦૦ કે તેથી વધુ એક મણના ભાવ મળશે તેવી આશા બાંધી બેઠેલા ખેડૂતોની આશા સાકાર નથી થઇ શકી. જેથી કેટલાક ખેડૂતો લાખોનો વાવેતર અને સાચવણી ખર્ચ કરતા અને પૂરના કારણે પાક નષ્ટ થતા માનસીક રીતે હતાશ થયેલા દેખાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ દાખલ, જયસુખ પટેલ સહિત 10 લોકોને આરોપી બનાવ્યા

ProudOfGujarat

ગુજરાતમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે જુના ભરૂચના મકાનોમાં બનેલા ભૂગર્ભ ટાંકા આશીર્વાદરૂપ બની રહ્યા છે…

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!