અંકલેશ્વરમાં ધૂળ સફાઈનું મશીન પાલિકા ફાયર યાર્ડમાં ધૂળમાં પડ્યું પડ્યું સડી રહ્યું છે. જયારે માર્ગોની ધૂળ પ્રજાના શરીરે જામી રહી છે, લાખોનાં ખર્ચે મશીન એક તરફ ધૂળ ખાતું નજરે પડ્યું તો બીજી તરફ ફાયર યાર્ડમાં દારૂ બંધીના પણ ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા, ત્યારે અહીંયા સવાલ એ થાય કે શું પ્રજાના રૂપિયા આ રીતે જ ખર્ચ કરવા છે, પાલિકાના તંત્રને લોકોના સ્વાસ્થ્યની કંઈ જ પડી નથી કે બધું ખબર છતાં ભોળી જનતાને માત્ર મુશ્કેલીઓ જ વેઠવા દેવી છે..!!!!
રસ્તા પર ખાડા અને માર્ગો પર ઉડતી ધૂળ, લોકો માસ્ક ધૂળથી બચવા પહેરે કે કોરોનાથી એ આ શહેરના ચક્કર લગાવ્યા બાદ મનોમન બધાના મનમાં સવાલો ઉભા થાય છે, વાત છે અંકલેશ્વર નગરપાલિકાના માર્ગોની, જ્યાં ધૂળ દૂર કરવા માટે 2 વર્ષ પૂર્વે 11 લાખ રૂપિયા ખર્ચે દસ્ત સફાઈ મશીન ખરીદી કરી હતી જે માર્ગો પર નવું સવું આવતા સફાઈમાં ઉપયોગમાં લેવાતું હતું જે છેલ્લા 1 વર્ષથી પાલિકાના ફાયર સ્ટેશન ખાતે યાર્ડમાં પાર્કિગમાં પડ્યું છે અને એટલું જ નહિ રોડની ધૂળ સાફ કરતુ મશીન ખુદ જ રોડની ધૂળ પોતાના પર જમાવી રહ્યું છે,તો મશીનની બાજુમાં દારૂબંધી વચ્ચે દારૂની બોટલ અને ગ્લાસનું ડમ્પિંગ મશીન બની ગયું છે. જયારે માર્ગો પર છેલ્લા ઘણા સમયથી જામેલી ધૂળ દમની લોકોના માટે આફતરૂપ બની છે છતાં તેની સફાઈ કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી અને માનવબળ વડે બ્રશ વડે સફાઈ કરવામાં આવી રહી છે. તેમ છતાં માર્ગો પર આજે પણ ધૂળની દમરીઓ ઉડી રહી છે. ત્યારે સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે, અંકલેશ્વર વિપક્ષના નેતાએ ધૂળ ખાતા મશીન મામલે તંત્રને હાથ લઈ લીધું હતું સાથે જ નગર પાલિકા તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
જ્યારે માર્ગો પર ધૂળ અને યાર્ડમાં પડી રહેલા દસ્ત મશીનનો મામલો ચર્ચામાં આવ્યા બાદ અંકલેશ્વર નગર પાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખે ચોમાસાની ઋતુ અને બિસ્માર માર્ગના કારણે દસ્ત મશીન ન કાઢતા હોવાનો લુલો બચાવ કર્યો હતો, સાથે યાર્ડમાં દારૂની બોટલો અને ગ્લાસ મામલે ચુપ્પી સાંધી કંઈ જ ખબર ન હોય તેમ જણાવી ચાલતી પકડી હતી…!!