ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાડ ગામે વડીલો પાર્જીત જમીનમાં કાકા અને ભત્રીજા વચ્ચે સરખો ભાગ પડી ગયા બાદ પણ કાકાએ ભત્રીજા પાસે પાંચ વીઘા જમીન વધારે માંગતા ભત્રીજાએ તેમ કરવા ના પાડી હતી. તેથી કાકા કાકી અને પિતરાઈ ભાઈએ ભત્રીજા પર જીવલેણ હુમલો કરી લાકડીના સપાટા મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના કરાડ ગામના વતની અને હાલ મારુતિ રેસિડન્સી ઝઘડિયા ખાતે રહેતા શૈલેષભાઈ મનુભાઇ પ્રજાપતી ખેતી કરે છે. બે દિવસ અગાઉ સવારે શૈલેષભાઈ તેના ખેતરેથી કરાડ ગામે આવતો હતો તે સમયે તેના કાકા ભીખાભાઈ જયરામભાઈ પ્રજાપતિ તથા તેમની કાકી પુષ્પાબેન ભીખાભાઈ પ્રજાપતિ અને તેમનો પુત્ર પ્રિયાંશુ ભીખાભાઈ પ્રજાપતિ તેની પાસે આવ્યા હતા, અને જણાવ્યુ હતુ કે ગઈકાલે સાંજના આપણી જમીનમાં બંનેના સરખા ભાગ પાડેલા છે. પણ મારે તારી પાસેથી વધારાની જમીન જોઈએ છે. જે જમીન બાબતે સમાધાન થયેલ નથી અને તું મને વધારાની પાંચ વીઘા જમીન આપવાનો નથી અને મે તને કહેવા છતાં તે હજુ સુધી જમીન આપી નથી તેમ કહ્યુ હતુ. જેથી શૈલેષભાઈએ તેના કાકાને કહ્યું હતું કે આપણી જમીન બાપદાદાની હતી તેના સરખા ભાગ પડી ગયેલ છે. હવે વધારાની જમીન આપવાનો કોઈ સવાલ રહેતો નથી ત્યારે શૈલેષના કાકા કાકી અને પિતરાઈ ભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇને શૈલેષને ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા અને તેના કાકાએ તેના હાથમાંની લાકડીના સપાટા બરડા તથા ડાબા પગે માર્યા હતા. અને તેના પિતરાઈ ભાઈ પ્રિયાંશુ અને તેની કાકીએ પણ શૈલેષને માર્યો હતો અને બોલતા હતા કે પાંચ વીઘા જમીન મને આપી દે નહીં તો હું તને જાનથી મારી નાખીશ. જેથી શૈલેષભાઈ મનુભાઈ પ્રજાપતિએ (૧) ભીખાભાઈ જયરામ ભાઈ પ્રજાપતિ (૨) પુષ્પાબેન ભીખાભાઈ પ્રજાપતિ તથા (૩) પ્રિયાંશુભાઈ ભીખાભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ