ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના કાલીયાપુરા વિસ્તારમાં આવેલા એક મકાનના વાડામાંથી અંદાજે ૪ ફુટ લંબાઇનો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ પકડાયો હતો. રાજપારડી વિસ્તારમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. પાછલા બે દિવસ દરમિયાન ઉઘાડ નિકળતા ભારે બફારાનુ સામ્રાજ્ય ફેલાવા પામ્યુ છે. ભારે ગરમી તેમજ બફારાના કારણે સરીસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનો છોડી બહાર દેખાવા લાગ્યા હોવાનુ અનુમાન લગાવાઇ રહ્યુ છે. વણાકપોર ગામના વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટીમના સંદિપ પરમાર અને તેમના સહયોગી દિપક પરમારે મકાનના વાડામાં એક દરમાં છુપાઇને બેઠેલો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ ભારે જહેમતે પકડી લીધો હતો. પકડેલા સર્પને વન્ય વિસ્તારમાં સલામત સ્થળે ખોરાક પાણી મળી રહે તેવી જગ્યાએ છોડી મુકવામાં આવશે તેમ ટીમના સભ્યોએ જણાવ્યુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ