નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદામાં પુરની સ્થિતિ સર્જાવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પાયે પૂરના પાણી ભરાયા છે. તાલુકાના કાંઠા વિસ્તારના નાના વાસણાથી લઇ મુલદ ગામ સુધીના ઘણા ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. સરદાર સરોવર ડેમ ખાતેથી લાખો ક્યુસેક પાણી નદીમાં છોડાતા નર્મદા નદીમાં ભયંકર પુરની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. નર્મદા જિલ્લાના કેવડિયાથી લઇ ઝઘડિયાના નાના વાસણા, ભાલોદ, અવિધા, રાણીપુરા, ઉચેડીયા અને મુલદના કાંઠા વિસ્તારના ખેતરોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નર્મદા કાંઠા વિસ્તારના મોટાભાગે બધા જ ખેતરોમાં પાણીનો ખૂબ મોટા પાયે ભરાવો થયો છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમ નર્મદા કિનારેથી બે કિલોમીટર દૂર હોવા પછી પણ ત્યાં ખેતરોમાં ૬ ફૂટથી વધુ પાણી ૨૦૦ એકરથી વધુ જમીનમાં ભરાઈ ગયા છે. પાણી ભરાવાના સાથે સાથે ઊચેડીયાની ખાડી અને નર્મદાના કિનારાની જમીનોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થશે તેવી ભીતિ ખેડૂતોમાં દેખાય છે. પાણી ભરાવાના કારણે સીમોમાં તૈયાર પાકને પણ મોટું નુકસાન થવાની દહેશત જણાય છે. નર્મદા કાંઠા વિસ્તારમાં મુખ્યત્વે કેળ, શેરડી અને કપાસના પાક થતાં હોય છે. ત્યારે હાલમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોનો તૈયાર માલ પણ બગડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયુ હોવાની લાગણી ખેડૂત આલમમાં દેખાઇ રહી છે. ગયા ચોમાસા દરમિયાન પણ નર્મદામાં આવેલા ભયંકર પૂરના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ હતું. બાદમાં કોરોના મહામારીના કારણે ખેતીમાં તૈયાર થયેલ માલનો યોગ્ય બજાર નહીં મળતા તેની પણ માઠી અસર થઈ હતી. માંડ માંડ મહામારીમાંથી નીકળ્યા બાદ હાલમાં આવેલા પ્રચંડ પુરના કારણે ખેડૂતોએ બેવડુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આને લઇને કાંઠા વિસ્તારના ખેડૂતોની સ્થિતિ દયાજનક બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થતાં ખેતીને વ્યાપક નુકશાન થયું.
Advertisement