નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશીના જણાવ્યા મુજબ કાંઠા વિસ્તારના ૧૨ જેટલા ગામોના લોકોને સતર્ક રહેવા જણાવાયુ છે. આજરોજ સાંજે સરદાર સરોવર ડેમ ખાતેથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાની વિગતો જણાતા માછીમારોને નર્મદામાં માછીમારી માટે નહી જવા સૂચના અપાઇ છે. ઝઘડીયા મામલતદાર કચેરી દ્વારા તાલુકાના મુલદથી પાણેથા, ઇન્દોર, નાના વાસણા સુધી નર્મદા કિનારાના તમામ ગામડાઓને સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવેલા હોય, નર્મદામાં પાણીની સપાટી વધી રહી છે. જેના કારણે જળ સ્તર ઉંચુ આવતુ હોય કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ આજે સાંજના ૫.૦૦ કલાકે સરદાર સરોવર ડેમમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. જે વધી પણ શકે તેવી પણ શક્યતાઓ છે. જે બાબતે નર્મદા કિનારાના ગામોમાં નદીના પટમાં માછીમારો માછીમારી કરવા ના જાય તે માટે તાત્કાલિક સૂચનાઓ આપી છે. આ ઉપરાંત સ્થળાંતર કરવાની જરૂર જણાય તો તાત્કાલિક સ્થળાંતર કરવાની કાર્યવાહી સંબંધિત ગ્રામ પંચાયતોના તલાટીઓને જણાવાયું છે. ઝઘડિયા તાલુકાના નાના વાસણા, ઇન્દોર, પાણેથા, વેલુગામ, અશા, અવિધા, જુના પોરા, ઝઘડિયા, રાણીપુરા, ઉચેડિયા, ગોવાલી, મુલદ, ભાલોદ, જુના તરસાલી, જરસાડ, ટોઠિદરા, વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ઝઘડીયાથી કબીરવડ જતો રસ્તો નર્મદા નદીમાં જળસ્તર વધતા બંધ થયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ