ઘેર ઘેર ગાયો પાળવાના ઉપદેશક હાજીપીર બાવા સાહેબનો ત્રિ દિવસીય મેળો ઇસ્લામિક કેલેન્ડર અનુસાર મોહરમ માસની 14 અને 15 તારીખમાં દર વર્ષે ઉજવાતો આવ્યો છે. જે આ વર્ષે કોરોના મહામારીનાં કારણે મોકૂફ રાખ્યો હોવાનું દરગાહના સેવકો નિસાર ભાઈ ભગત તથા સિરાજુદ્દીન ચિસ્તીએ સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે અને તે જ રીતે આ ઉર્સ મેળા સાથે ઉજવાતા મહમ્મ્દશાહ બાવા સાહેબ અને માંગરોળની ગાદીના ખલીફા બાહદરશાહ દાદા સાહેબનો ઉર્સ મેળો પણ મોકૂફ રખાયો છે. બાવા સાહેબનું આ વર્ષે 64 મો ઉર્સ મેળો સંપન્ન થવાનો હતો, જેમાં 63 વર્ષથી મોટી સંખ્યામાં ભક્તજનો મેળામાં પધારતા હતા અને બાવા સાહેબના દર્શન કરી ધન્યતા મેળવતા હતા. બાવા સાહેબ સંપૂર્ણ શાકાહારી હતા, અને આહારમાં કઢી, ખીચડી, મેથીની ભાજી અને રોટલો જેવા સાદા વ્યંજનો પોતાના ભોજનમાં લેતા હતા. ભક્તજનોના ગુજરાતી ભજનોની રમઝટથી આખું વાતાવરણ આધ્યાત્મિક બની જવા પામતું હતું. બાવા સાહેબના મેળામાં આવનાર મહેમાનો માટે પણ બાવાના સેવકો તરફથી એકદમ સાદું ભોજન પ્રસાદી રૂપે પીરસાતું હતું. બાવા સાહેબના સેવકો દ્વારા તમામ ભક્તજનોને આ વર્ષે કોરોના મહામારીના કારણે બાવા સાહેબના ઉર્ષની તારીખે પોતાના ઘરેથી જ બાવા સાહેબ સમક્ષ પ્રાર્થના, અર્ચના કરવા માટે એક જાહેર અપીલ કરવામાં આવી છે અને બાવા સાહેબ આપણા હૃદયમાં હરહંમેશ છે જ તેમાં કોઈ બે મત નથી અને તમામ ભક્તજનોને બાબાસાહેબના આશીર્વાદ ચોક્કસથી મળશે તેવો શ્રદ્ધા સાથે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ છે.
તૌફીક શેખ