ગુજરાતભરમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે નદીનાળા ડેમો પણ છલકાઈ ગયા છે.પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ખુણીયા મહાદેવના ધોધમાં નાહવાનો આનંદ માણવા ગયેલા ૭૦ થી વધુ સહેલાણીઓ વરસાદને કારણે પાણી વધી જતા ફસાઈ ગયા હતા. જેમને પાવાગઢ પોલીસે રેસ્કયુ કરીને બચાવી લીધા હતા. પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ હાલ ચોમાસાની ઋતુમાં લીલીછમ વનરાજીથી ખીલી ઉઠ્યુ છે.આ પાવાગઢ પર્વતની તળેટીમાં ખુણિયા મહાદેવનો ધોધ આવેલો છે.જેમા નાહવાનો આનંદ લેવા ગુજરાતભરમાંથી પર્યટકો આવે છે. હાલમા કોરોનાની મહામારી ચાલી રહી હોવા છતા પોતાના જીવને જોખમ મુકી રહ્યા છે. રવિવારે બપોરે ખૂણિયા મહાદેવ ધોધ ખાતે નાહવાનો આનંદ માણીને પરત ફરતા ૭૦ જેટલા સહેલાણીઓ રસ્તામા આવતા ઝરણાનું પાણી વરસાદને કારણે વધી જતા ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ પાવાગઢ પોલીસને થતા પી.આઈ સહિત સ્ટાફ બનાવ સ્થળે પહોચી સહેલાણીઓને દોરડાની મદદથી બચાવી લીધા હતા.
પંચમહાલ, રાજુ સોલંકી