Proud of Gujarat
FeaturedGujaratINDIA

જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્ના લિખિત પુસ્તક સમાજની સંવેદનાનુ ઓનલાઈન લોકાર્પણ કરાયુ

Share

‘સમાજની સંવેદના’ પુસ્તકના ઓનલાઈન લોકાર્પણમાં સમગ્ર વિશ્વમાંથી 50થી વધુ સમાજનાયકો જોડાયા
જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્નાલિખિત પુસ્તક ‘સમાજની સંવેદના’ના ઓનલાઈન લોકાર્પણમાં બોલતાં ગણપત યુનિવર્સિટીના સ્થાપક અને મુખ્ય દાતા ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંવેદના ખૂબ જ જરુરી છે. જો બાળકને નાનપણથી જ સંવેદનાની સમજણ આપવામાં આવેે અને એક વિષય તરીકે તે ભણાવવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય. અમે ગણપત યુનિવર્સિટીમાં સંવેદનાને વિષય તરીકે ભણાવીશું મને પાકી ખાતરી છે કે તેની મોટી અસર પડશે.’સમાજની સંવેદના’ પુસ્તકના ઓનલાઈન લોકાર્પણમાં સમગ્ર વિશ્વમાંથી 50થી વધુ સમાજનાયકો જોડાયા હતા. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રે સમાજ માટે નોંધપાત્ર કામગીરી કરનારા 71 વ્યક્તિ કે સંસ્થાની પોઝિટિવ સ્ટોરીનો સમાવેશ કરાયો છે. સાહિત્યકાર યશવંત મહેતાએ જણાવ્યું હતું કે, સંવેદનાનું મુખ્ય સ્થાનક ઘર છે અને આ પુસ્તકનું લોકાર્પણ ઘરમાં થઈ રહ્યું છે તે મોટી વાત છે. ભાવનગરસ્થિત નિશીથ મહેતા એ જણાવ્યું હતું કે,સમાજ સંવેદનશીલ છે, તેની સંવેદનાને જાગૃત અને ઝંકૃત કરવાની જરુર છે. આર.જે. ધ્વનિતે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ સંવેદનાનું સંવર્ધન કરવા સક્રિય થવું જોઈએ. જાણીતા એડવોકેટ અને સમાજસેવક ભાસ્કર તન્નાએ જણાવ્યું હતું કે, પુસ્તકમાં પ્રેરણા આપે તેવી અનેક સ્ટોરી છે. ડો. કલા શાહે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, જો સમાજની સંવેદનાને જાગૃત કરવા માટે શુધ્ધ ભાવનાથી સંગઠિત પ્રયત્નો થાય તો ચોક્કસ ઉત્તમ પરિણામ આવે જ છે. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, પુસ્તકમાં સમાવિષ્ટ પામેલી વ્યક્તિઓએ પોતપોતાના ઘરે પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું. કોઈએ પોતાનાં માતા પાસે, કોઈએ મિત્ર પાસે, કોઈએ સમગ્ર પરિવાર સાથે તો કોઈએ સાસુ-સસરા પાસે લોકાર્પણ કરાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં અર્ચન ત્રિવેદી, પ્રહર વોરા અને સંપદા વોરાએ ગણપતિ ગાન કર્યું હતું. કાર્યક્રમમાં અમેરિકા, લંડન સહિત સમગ્ર વિશ્વમાંથી લોકો જોડાયા હતા તો ધરમપુર-પિંડવડ જેવા અંતરિયાળ વિસ્તારમાં કામ કરતા લોકો પણ જોડાયા હતા. આ પુસ્તકમાં સમાજસેવા, ગ્રામસેવા, શિક્ષણ, પર્યાવરણ, માતૃભાષા, સાહિત્ય, આરોગ્ય, મહિલા સશક્તિકરણ એમ વિવિધ ક્ષેત્રની સંવેદનશીલ પોઝિટિવ સ્ટોરીનો સમાવેશ થયો છે. કાર્યક્રમમાં અનિતા તન્નાએ સમાજમાં વિવિધ ક્ષેત્રે રચનાત્મક કાર્ય કરતા લોકો પ્રેરણા આપે છે તેમ જણાવ્યું હતું. આભાર વિધિ આલાપ તન્નાએ કરી હતી. પોઝિટિવ સ્ટોરી શ્રેણીના આ અગાઉ રમેશ તન્નાનાં ‘સમાજનું અજવાળું’ અને ‘સમાજની સુગંધ’ એમ બે પુસ્તકો પ્રકાશિત થયાં છે જેને સમાજમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ પુસ્તકનું પ્રકાશન પોઝિટિવ મીડિયાએ કર્યું છે અને તેના મુખ્ય વિક્રેતા ગૂર્જર પ્રકાશક છે.

પોઝિટિવ સ્ટોરી (50 શબ્દોમાં)

Advertisement

1.
હિંમતનગરમાં રહેતા નિવૃત શિક્ષક રામભાઈ ચારણે પર્યાવરણ જાગૃતિ માટે 50 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખ્યાં છે. કોઈના જન્મદિવસે કે શુભપ્રસંગ નિમિત્તે તેઓ પર્યાવરણ જાગૃતિનો સંદેશો વર્ષોથી આપે છે. ભારત સરકારના પોસ્ટ વિભાગે પર્યાવરણની જાગૃતિ માટે તેમણે કરેલા સફળ અને અસરકારક પ્રયાસો માટે તેમની ટપાલ ટિકિટ બહાર પાડી છે. કોઈ શિક્ષકની આ રીતે ટપાલ ટિકિટ બહાર પડી હોય તેવી આ પહેલી ઘટના છે.

2.
ભાવનગરસ્થિત નિશીથ મહેતા પોતાની ફેકટરીમાં 35 વર્ષથી 60 ટકા સ્ટાફ દિવ્યાંગોનો જ રાખે છે. કેટલોક સ્ટાફ મૂકબધિર છે તો કેટલાક મનોદિવ્યાંગ પણ છે. તેમનો અનુભવ છે કે દિવ્યાંગ કર્મચારીઓથી પ્રોડક્શન ઘટવાને બદલે વધે છે. આઈ.આઈ.એમ. અમદાવાદે તેમના આ અનુભવ પર ખાસ કેસ સ્ટડી કર્યો છે અને વિશ્વખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ તે ભણાવાય છે.

3. ગણપત યુનિવર્સિટીની સ્થાપનાના પાયામાં છાશ પડેલી છે. ગણપતભાઈ નાના હતા ત્યારે તેમની માતાએ તેમને સમાજને પરત કરવાના સંસ્કાર આપ્યા હતા. તેમના માતા પોતાના ઘરે છાશ બનાવે ત્યારે ગામની બહેનોને ઘરે બોલાવી બોલાવીને છાશ આપતાં. એક વખત ખેતરમાંથી ખળામાં આવેલું અનાજ ગામનાં જરુરિયાતમંદ લોકોને સુપડાં ભરી ભરીને આપતાં માતાએ પુત્ર ગણપતને કહ્યું હતું કે, આપણે મોટા ઢગલામાંથી અનાજ લઈએ છીએ પછી આપોઆપ એ જગ્યા ભરાઈ જાય છે. એ જગ્યા ખાલી રહેતી નથી એ રીતે જ જ્યારે સમાજને પરત આપીએ ત્યારે ભગવાન એ ખાલી જગ્યા ભરી જ દેતો હોય છે એટલે સ્વાર્થી ન બનવું, પરમાર્થી બનવું. માતાના એ સંદેશના પગલે ગણપતભાઈએ ગુજરાતમાં માતબર દાન આપીને એક યુનિવર્સિટીની સ્થાપના કરી.

નીલકંઠ વસુકિયા :- વિરમગામ


Share

Related posts

ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ અને 4 મોટર સાયકલ મળી કુલ રૂ એક લાખ કરતા વધુ ની મતા જપ્ત કરી એક આરોપી ની અટક 4 આરોપી ફરાર

ProudOfGujarat

અંકલેશ્વરમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના કાફલાને રોકવાનો પ્રયાસ નશામાં ધૂત કાર ચાલકને ભારે પડયો, પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

સુરત : ફૂલ સ્પીડમાં બાઈક હંકારી તેના પર ઊભા રહી સ્ટંટ કરતા યુવક સહિત બે ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!